રાજપીપલા, તા.૧૬ 

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર છલોછલ ભરાઈ ગયો.આ સિઝનમાં પ્રથમવાર ડેમ સંપૂર્ણ ભરાયો છે.હાલ નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૫૮ મીટરે પહોંચી છે અને ગણતરીના કલાકમાં મહત્તમ ૧૩૮.૬૮ મીટરે પહોંચશે પરંતુ વિશાળ સરદાર સરોવર છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાઈ નર્મદા ડેમ પર ગોઠવાઈ ગયા છે.આ સીઝનમાં પ્રથમવાર નર્મદા મહત્તમ સપાટી પર પહોંચ્યો છે ત્યારે ઉપરવાસમાંથી આવનારી પાણી આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે.સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી જાળવવા ફરી પાછા ડેમના દરવાજા ખોલાઈ શકે છે.નર્મદા ડેમ છલો છલ ભરાતા ગુજરાતમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા નહિ રહે.

સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ૯૯૬૩૦ ક્યુસેક છે પાણીની જાવક ૩૪૫૪ ક્યુસેક છે. રિવર બેડ પાવર ના ૬ યુનિટ સતત ચાલતા ૩૪,૭૬૬ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે.મુખ્ય કેનાલમાં ૧૩૫૦૦ ક્યુસેક પાણી છોડાય રહ્યું છે.હાલ સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો ૫૫૩૪ મિલીયન ક્યુબીક મીટર થયો છે.એટલે આમ ચોક્કસ કહી શકાય કે આવનારા બે વર્ષ માટે આ નર્મદા બંધ માંથી પાણીનો જથ્થો ખૂટે નહીં એટલો સંગ્રહિત જથ્થો છે.નર્મદા બંધને મા રેવાના નીરથી છલોછલ ભરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ અપાશે.નર્મદા બંધ હાલમાં ૯૯.૯૯ ટકા ભરાઈ ગયો.

પીએમ મોદીએ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું, ત્યારે ડેમને ૧૩૮.૬૮ મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો.પીએમ મોદીના ૭૦ માં જન્મદિવસ ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ ડેમના લોકાર્પણને ૩ વર્ષ પૂર્ણ થશે ત્યારે પણ ડેમને ૧૩૮.૬૮ મીટર સુધી પૂર્ણ ભરવામાં આવશે, આમ નર્મદા ડેમ લોકાર્પણ થયા બાદ ત્રીજી વખત સંપૂર્ણ ભરાશે.