વડોદરા : નર્મદા ડેમમાંથી આજે પણ ૧૦ લાખ કયુસેક અને કડાણા ડેમમાંથી ૪.૬૦ લાખ કયુસેક પાણી આજે સતત બીજા દિવસે છોડવામાં આવતાં નર્મદા અને મહીનદી કાંઠાના અનેક ગામોમાં પાણી પ્રવેશ્યાં હતાં. વડોદરા નજીક આવેલ સિંધરોટ ગામમાં નદીના પાણી પ્રવેશતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે નર્મદા નદીના પાણી પ્રવેશતાં ડભોઈ, શિનોર, કરજણ તાલુકામાં ૧૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. 

ઉપરવાસમાં વરસાદને પગલે કડાણા ડેમમાંથી ૪.૫૦ લાખથી વધુ કયુસેક અને સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૦ લાખ કયુસેકથી વધુ પાણી સતત બીજા દિવસે છોડવામાં આવતાં મહીસાગર અને નર્મદા નદીકાંઠાના અનેક ગામોમાં નદીના પાણી પ્રવેશ્યાં હતાં. મહીસાગર નદીની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થતાં મહીસાગર ખાતે ૧ મીટરની ભયજનક સપાટી વટાવી ૧૪.૭૦ મીટર પહોંચી હતી, સાથે વડોદરા નજીક આવેલ સિંધરોટ ગામમાં મહીસાગરના પાણી પ્રવેશતાં ગામનો અવરજવર માટેનો સંપર્ક તૂટી ગયો હતો. જ્યારે પાદરા તાલુકાના ડબકા, મહંમદપુરા, સાવલી તાલુકાના નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

નર્મદા નદીના પાણી કેટલાક કાંઠાના ગામોમાં પ્રવેશતાં ડભોઈ તાલુકાન કરનાળીમાંથી ૭, નવા માંડવા ગામેથી ૧૦, કરજણ તાલુકાના નાની કોરલથી ૮ લોકો, શિનોરના માલસરમાંથી ૪૮ લોકો તેમજ દિવેર ગામેથી ૩પ લોકો મળીને ૧૦૦થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. જાે કે, સાંજે કડાણા ડેમમાંથી છોડવામાં આવતા પાણી ઘટીને ૨૦,૩૦૦ કયુસેક થતાં મહીસાગરની સપાટીમાં ઝડપથી ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.