સુરત-

પરિણીતાને સાસરિયાંએ માર મારી ત્રણ વર્ષની દીકરી સાથે ઘરની બહાર કાઢી મૂકતા પરિણીતાએ સુરત જિલ્લા મહિલા પોલીસ મથકમાં પતિ સહિત સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે શારીરિક માનસિક ત્રાસ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લા મહિલા પોલીસ મથકમાંથી મળતી વિગત અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના સુલ્તાનપુર જિલ્લા અને હાલ ઓલપાડ તાલુકાના કીમ ખાતે આવેલા શિવસાઈ રેસિડેન્સીમાં રહેતા સુખારામ મૌર્યની દીકરી અમિતા (ઉ.વર્ષ 27)ના લગ્ન મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના રહેવાસી અને હાલ સાયણના મણિપુષ્પકમ સોસાયટીમાં રહેતા મોનુ શિવકુમાર મૌર્ય સાથે તા. 28/11/2020ના રોજ થયા હતા. લગ્ન બાદ તેમને ત્રણ વર્ષની એક પુત્રી છે. બે વર્ષ સારી રીતે રહ્યા બાદ અમિતા સાથે તેના પતિએ તને જમવાનું બનાવતા આવડતું નથી એમ કહી અવારનવાર ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત સાસુ, જેઠાણી અને નણંદ પણ અમિતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. તેમજ પરિણીતાને મકાન લેવા માટે પિતાને ત્યાંથી ત્રણ લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું.બાદમાં અમિતાને જાણવા મળ્યું કે, પતિ મોનુના કોઈ સ્ત્રી સાથે અનૈતિક સંબંધ છે. જેને તે સાયણમાં જ રહેતા તેમના સંબંધીને ત્યાં રાખે છે. આ બાબતે પણ બંને વચ્ચે લડાઈ ઝઘડો થતાં મોનુએ માર મારી રાત્રિના સમયે ચપ્પુ બતાવી ત્રણ વર્ષની પુત્રી સાથે અમિતાને ઘરની બહાર કાઢી મૂકી હતી. આથી તે તેના પિતાના ઘરે જતી રહી હતી. ત્યારબાદ સાસરિયાંના ત્રાસની વિરુદ્ધમાં અમિતાએ સુરત જિલ્લા મહિલા પોલીસ મથક ખાતે સાસરિયા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.