વડોદરા, તા.૮ 

રાજ્યના પોલીસવડાની વારંવાર દારૂબંધીના કડક અમલની સૂચના હોવા છતાં શહેર પોલીસના કેટલાક લાંચિયા જવાનો દારૂના અડ્ડાઓ ઉપરથી મહિલા બૂટલેગરના હાથે રૂપિયા સ્વીકારતી ૩૫ વીડિયો ક્લિપમાં ઝડપાયા છે. જાગૃત નાગરિકે ઉતારેલા આ વીડિયો ક્લિપમાં બાપોદ પોલીસ સ્ટેશનના જવાનો ઉપરાંત શહેર પોલીસની મહત્વની શાખા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ ટૂંકમાં એસઓજીના જવાનો પણ રૂપિયા ઉઘરાવી અડ્ડાની બહાર જાહેર માર્ગ ઉપર જ રૂપિયાની ભાગબટાઈ કરતાં નજરે પડે છે જે વડોદરા પોલીસ માટે અત્યંત શરમજનક કહી શકાય એમ છે.

ખરેખર તો એસઓજીની ટીમ અડ્ડાવાળાઓ પાસેથી રૂપિયા ઉઘરાવતી હોવાની ફરિયાદના પગલે રાજ્યના પોલીસવડાએ દારૂ અંગેની કાર્યવાહી એસઓજીએ કરવી નહીં એમ જણાવી પ્રતિબંધનો પરિપત્ર પણ જાહેર કર્યો હતો. તેમ છતાં વડોદરા એસઓજીના પોલીસ કર્મચારીઓ ચકુના અડ્ડા ઉપર જઈને ખૂલ્લ્લેઆમ રૂપિયા સ્વીકારે છે અને ભાગબટાઈ કરે છે. જાણકારોએ આ જવાન આશિષગીરી સફેદ શર્ટમાં અને બ્લ્યુ શર્ટમાં રોહિત પટેલ હોવાનું જણાવી રહ્યા છે.

એસઓજીના બંને જવાનો પોતાની પલ્સર બાઈક ઉપર આવીને ઊભા રહે છે અને અન્ય અડ્ડાઓ ઉપરથી ઉઘરાવી લાવેલા રૂપિયાનો થોકડો બ્લ્યુ શર્ટ અને ટોપી પહેરેલો રોહિત પોતાના ખિસ્સામાંથી કાઢે છે અને સફેદ શર્ટવાળા આશિષગીરીને સામે ઊભો રાખી ગણવાનું શરૂ કરે છે. એમાંથી થોડા પોતાની પાસે રાખે છે, થોડા આશિષગીરીને આપે છે. આમ જાહેર માર્ગ ઉપર જ એસઓજીના જવાનોએ ઉઘરાવેલા હપ્તાના રૂપિયાનો ભાગ પાડે છે.

અત્યંત શરમની વાત તો એ છે કે આ ભાગબટાઈ દરમિયાન જ મહિલા બૂટલેગર ચકુ કેસરી કલરનો ડ્રેસ પહેરીને હપ્તાના રૂપિયા લઈને આવે છે ત્યારે રોહિત રૂપિયા ગણવામાં વ્યસ્ત હોવાથી આશિષ રૂપિયા લેવા ચકુ તરફ આગળ વધે છે અને સ્વીકારીને ગજવામાં મુકે છે. મોટી રકમ ઉઘરાવી લાવ્યો હોય એમ બંને જવાનો આ સ્થળે લાંબો સમય રોકાય છે અને સરખે ભાગે વહેંચી લીધા બાદ બંને પોતપોતાના ખિસ્સામાં મુકી રવાના થાય છે. વીડિયો ક્લિપમાં ઝડપાયેલા આ દૃશ્યો એસઓજીની હપ્તાબાજીને ખૂલ્લી કરે છે, જે આગામી દિવસોમાં આખી સીડી તૈયાર કરી રાજ્યના ગૃહમંત્રી, ડીજીપી અને મોનિટરિંગ સેલ ઉપરાંત એસીબીને પુરાવા સહિત મોકલવામાં આવશે. આ વીડિયો ક્લિપો એસઓજી ઉપરાંત ડીસીબીના જવાનો પણ સ્પષ્ટપણે દેખાય છે જેમાં ઉચ્ચ અધિકારીનો રાઈટર અને વહીવટદાર પણ સામેલ હોવાનું કહેવાય છે.

ખોડિયારનગર વિસ્તારમાં ચાલતા મહિલા બૂટલેગર ચકુના અડ્ડા ઉપર લાંચ લેવા માટે સાંજ પડે એટલે પોલીસના જવાનો ઉમટી પડતા હતા એ પૈકીના ૨૭ જેટલા પોલીસ કર્મચારીઓ કેમેરામાં આબાદ ઝડપાયા છે. મોટાભાગના રૂપિયા લે છે. કેટલાક દારૂ પણ લે છે અને રંગીન મિજાજી પોલીસ કર્મચારીઓ મહિલા બૂટલેગર સાથે છૂટ લઈ મજાકમસ્તી કરતાં પણ વીડિયો ક્લિપમાં નજરે પડે છે. આ જાઈ કોઈનું પણ માથું શરમથી ઝુકી જાય એવું છે. પોલીસ કર્મચારીઓના આવા વર્તનથી સ્થાનિકો ડઘાઈ ગયા હતા, તેથી જ પુરાવારૂપે વીડિયો ક્લિપ તૈયાર કરવામાં આવી છે.