અમદાવાદ-

સમાજમાં હજી પણ કેટલાક લોકો દહેજના દૂષણમાં માની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી દહેજના કારણે પરિણીતા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હોવાની અનેક ફરિયાદી પોલીસ ચોપડે નોંધાઇ છે. ત્યારે શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલે સાસરિયાં વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

ફરિયાદી મહિલાનો આરોપ છે કે છેલ્લા ત્રણ વર્ષથી તેના પતિ તેની પર શંક વહેમ રાખે છે. જાે કે પોતે પોલીસમાં ફરજ બજાવતા હોવાથી અનેક બાતમીદારોના ફોન તેમની પર આવે તેને કોઈની સાથે આડાસંબંધ નથી. આમ કહેવા છતાં તેમનો પતિ તેની સાથે અવાર નવાર ઝઘડા કરીને મારઝૂડ કરતો હતો.

એટલું જ નહિ તેના ફોઈ સાસુ, તેમનાં પતિ અને દીકરો પણ વારંવાર ફરિયાદીના ઘરે આવતા અને ફરિયાદીને સંભળાવતા હતા કે તું પોલીસમાં નોકરી કરે છે એટલે જમવાનું પણ સારું આપતી નથી. તારા બાપાએ કરિયાવરમાં કશું આપ્યું નથી એટલે તારા પતિને ધંધો કરવા માટે રૂપિયા લાવી આપ.

જેથી ફરિયાદીના પિતાએ દુકાન લેવા માટે રૂપિયા ૫ લાખ આપ્યા હતા. બાદમાં ફરિયાદીમાં પતિ પર અગાઉ એક પોલીસ કેસ થતા તેનો કોર્ટનો પણ ખર્ચ રૂપિયા ૧૫ લાખ ફરિયાદીના પિતાએ આપ્યો હતો. આમ ટુકડે ટુકડે રૂપિયા ૧૧ લાખ જેટલી રકમ આપવા છતાં ફરિયાદીના સાસરિયાં તેમને ત્રાસ આપતા હતાં. ૧૦ મી તારીખે ફરિયાદીના પતિએ તેની પાસે રૂપિયા માંગ્યા હતા. જાે કે ફરિયાદીએ રૂપિયા આપવાની ના પાડતા ઝઘડો કરી મારઝૂડ પણ કરી હતી.

ઉપરાંત ફરિયાદીના પતિએ લોખંડની પાઇપ લઈને ધમકી આપી હતી કે હવે પછી જાે તું મારી સામે બોલીશ તો તારા અને તારા પિતાના ટાંટિયા તોડી નાખીશ અને જીવતા નહિ રહો. જેથી ફરીયદીએ પોલીસને જાણ કરતાં પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.