વડોદરા : એમ.જી.રોડ પર આવેલા શ્રી હરિ જ્વેલર્સમાં ગત બપોરે ગ્રાહકના સ્વાંગમાં આવેલી આધેડ વયની મહિલા શો રૂ સંચાલકોની નજર ચુકવીને સાડીમાં ૧.૨૦ લાખનો સોનાનો સેટ સેરવી લીધા બાદ મારા હસબંડ સામે ઉભા છે તેમને બોલાવી લાવું છું તેમ કહીને શો રૂમમાંથી બહાર નીકળીને ફરાર થતા ઠગ મહિલાની વાડી પોલીસે શો રૂમના સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે શોધખોળ શરૂ કરી છે. 

હરણીરોડ પર સંગમ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ સોની એમ.જી.રોડ પર શ્રીહરિ જ્વેલર્સ નામે સોનાચાંદીના દાગીનાનો શો રૂમ ધરાવે છે. ગત બપોરે તેમના શો રૂમમાં આશરે ૫૦થી ૫૫ વર્ષની સાડી અને મોંઢા પર માસ્ક પહેરીને એક ઠગ મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને તેણે મારે અઢીથી ત્રણ તોલાનો સેટ જાેઈએ છે તેમ જણાવ્યું હતું. ભાવેશભાઈએ તેને સોનાના સેટના બોક્સ બતાવવા માટે આપતા તેણે સોનાના બે સેટના બોક્સ પસંદ કરી બાજુમાં મુકાવ્યા હતા અને જણાવ્યું હતું કે મારા હસબંડ સામે ઉભા છે હું તેમને બોલાવીને એક મિનિટમાં આવું છે. શો રૂમમાંથી બહાર ગયા બાદ મહિલા પાછી નહી આવતા ભાવેશભાઈને શંકા ગઈ હતી અને તેમણે મહિલાને બતાવવા માટે આવેલા સેટનું વજન કરતા તેમાંથી ૧.૨૦ લાખની કિંમતના આશરે ૨૯ ગ્રામના વજનનો સેટ ઓછો હોવાની જાણ થઈ હતી. તેમણે તુરંત કર્મચારીઓ સાથે ઉક્ત મહિલાની શોધખોળ કરી હતી પરંતું તેનો કોઈ પત્તો લાગ્યો નહોંતો. તેમણે શો રૂમની સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા જેમાં ઠગ મહિલા તેમની નજર ચુકવીને સાડીમાં એક સેટ છુપાવીને શો રૂમમાંથી નીકળી હોવાની જાણ થઈ હતી. આ બનાવની તેમણે વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.