વડોદરા, તા.૧૨  

વડોદરા શહેરમાં સમાવિષ્ઠ કરાયેલા આઉટ ગ્રોથના સાત ગામોના સમાવવાના પ્રશ્ને ગ્રામજનોનો રોષ હજુ શમ્યો નથી.જેને લઈને ગ્રામજનોનો વિરોધ યથાવત રહેવા પામ્યો છે. જેના ભાગરૂપે પાલિકામાં સમાવિષ્ઠ સાત ગામની મહિલાઓએ રામધૂન બોલાવીને પાલિકામાં ગામોના સમાવેશ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.કરોળિયામાં વરસતા વરસાદમાં પણ ગ્રામજનોએ આંદોલન જારી રાખતા સરકાર અને પાલિકાના દ્રઢ નિર્ણય સામે શંકાના વાદળો ઘેરાવા લાગ્યા છે.એક તરફ ગ્રામજનોનો વિરોધ અને બીજી તરફ શાસકોની રાજહઠ વચ્ચેનો સંઘર્ષ ખાઈ રૂપે વધી રહ્યો છે.ત્યારે વરસતા વરસાદમાં પણ ગરમજનોએ રામધૂન બોલાવી અને શાસકોના વિરુદ્‌ધમાં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.જોકે તેમ છતાં જાડી ચામડીના શાસકો અને લાગણીવિહીન તંત્ર એક જાહેરનામું બહાર પાડીને આ બાબતે જક્કી વલણને વળગી રહી નિશ્ચિત બની ગયું છે.તેમજ ૧૮ જૂને જાહેરનામું બહાર પડ્યા પછીથી એક પછીથી એક સાત ગામો ભાયલી,સેવાસી,વેમાલી,બિલ, કરોડિયા,ઉંડેરા અને વડદલાના વહીવટને પોતાના હાથમાં લેવાને માટે એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના રાતોરાત બળપ્રયોગ વાપરીને કચેરીઓને સીલ મારીને કબ્જો લઇ લીધો હતો.એની સામે પણ ગ્રામજનોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો હતો.આ પછીથી ગ્રામજનોની તરફેણમાં ખુદ શાસક પક્ષના માજી ધારાસભ્યો આવ્યા હતા.તેઓ આંદોલનમાં જોડાતા ખળભળાટ મચી ગયો હતો.