વડોદરા-

સાવલીના સંત સ્વામીજી એ જેની સ્થાપના કરવાની પ્રેરણા આપી હતી અને બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજે જેની સ્થાપનાના આશીર્વાદ આપ્યા હતા, એવા વડોદરાના હ્રદય સ્થાને સુરસાગર સરોવરની મધ્યમાં બિરાજમાન વિરાટ સર્વેશ્વર શિવ હવે સોનાનું આવરણ ધારણ કરશે.આ ૧૧૧ ફૂટ ઊંચી અને વડોદરાને શિવનગરી બનાવતી પ્રતિમાની સ્થાપના, પરમ શિવભક્ત અને રાજ્યના નર્મદા વિકાસ મંત્રીશ્રી યોગેશભાઈ પટેલની આગેવાની હેઠળના સત્યમ શિવમ સુંદરમ્‌ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આ આસમાનને આંબતી શિવ પ્રતિમાને દાતાઓના સહયોગ થી સુવર્ણ વાઘા પહેરાવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરાનું રાજવી યુગલ શ્રીમંત મહારાજ સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકારાજે આવતીકાલ તા.૫ મી ઓગસ્ટ ને બુધવારના રોજ, સુરસાગરની વચ્ચે સર્વેશ્વર શિવના ચરણ સ્થાને ચાર વેદોના બ્રાહ્મણો દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે શિવજીને સોને મઢવા ના આ કાર્યનો મંગળ પ્રારંભ કરાવશે.

આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા માં આખું ભારત યુગોથી જેની પ્રતીક્ષા કરે છે એવા રામલલ્લા ના મંદિરના નિર્માણ નું ભૂમિપૂજન કરાવવાના છે.તેની સાથે જ વડોદરામાં શિવ સુવર્ણ આવરણ સમારોહ યોજાતા સોનામાં સુગંધ ભળી છે. આ કાર્યક્રમ કોરોના વિષયક ગાઈડ લાઈનના પાલનની સંપૂર્ણ તકેદારી સાથે યોજવામાં આવ્યો છે.

દર વર્ષે મહા શિવરાત્રીના પર્વે સુરસાગર કાંઠે સર્વેશ્વર મહાદેવજીની મહા આરતી યોજાય છે ૧૯૯૬ની મહા શિવરાત્રીથી શરૂ થયેલી આ મહા આરતીની પરંપરાને આગામી ૨૦૨૧ની મહા શિવરાત્રિએ ૨૫ વર્ષ પૂરા થશે. તેને અનુલક્ષી ને ભવ્ય મહા આરતી રજત જયંતિ મહોત્સવ યોજવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. શિવ સુવર્ણ આવરણ શુભારંભ નો કાર્યક્રમ બુધવારના રોજ સાંજના ૪ વાગ્યે રાખવામાં આવ્યો છે.જેમાં રાજવી યુગલ સુરસાગરની મધ્યમાં શિવ પ્રતિમા ચરણ કમળ સ્થાને ભગવાન શિવજીની છડી લઈને પૂજન સ્થાને જશે. આ પ્રસંગે પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ,વ્રજ રાજ કુમાર મહોદય, જૈન સાધુ મહારાજો, સ્વામી નારાયણ સંપ્રદાયના, ગાયત્રી પરિવારના, બ્રહ્માકુમારીના સંતો, સાધ્વીઓ, કરજણના પૂજ્ય ભોલાગીરી મહારાજ, વડોદરાના સાંસદ, ધારાસભ્યોે, મેયર, પાલિકાના પદાધિકારીઓ, નગર સેવકો, વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડાૅ. વિનોદ રાવ, જિલ્લા કલેકટર,મ્યુનિસિપલ કમિશનર, શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ, સુવર્ણ આવરણ ના દાતાઓ, સુવર્ણ સંકલ્પ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે.

શિવ પરિવારનો રથ મુસ્લિમે બનાવ્યો છે

મહા શિવારાત્રી પર્વે નિકળતી શિવ પરીવારની સવારીનો રથ એક મુસ્લીમે ગુલામ અલી ઈબ્રાહીમ દુધવાલાએ બનાવ્યો છે. જે બહુચરાજી રોડ સ્થિત નિઝામી ઓટો ગેરેજ ચલાવે છે. જેમણે એક પણ રૂપિયો લીધા સિવાય આ રથ બનાવ્યો છે. જે નોન વેજ પણ ખાતા નથી.