દિલ્હી-

અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દર શૂન્યની નજીક જાળવવાની ખાતરી ઉચ્ચારી હતી અને ફુગાવો જ્યાંસુધી સતત નહીં વધે ત્યાંસુધી વ્યાજ દર શૂન્ય સ્તરે જ જાળવી રાખવાની કટિબદ્ધતા વ્યકત કરી હતી. અમેરિકામાં સુધારો થઈ રહ્યો છે પરંતુ તેની ગતિ ધીમી હોવાથી નીતિવિષયક તથા સરકારી ખર્ચ તરફથી ટેકાની આવશ્યકતા રહે છે.

ટૂંકા ગાળા માટેના વ્યાજ દર 0થી 0.25 ટકાની રેન્જમાં રહેશે એમ ફેડરલ ઓપન માર્કેટ કમિટિના ચેરમેન જેરોમ પોવેલે બે દિવસની બેઠકના અંતે એક નિવેદનમાં જણાવ્યું હતું. 2022 સુધી આ દર જળવાઈ રહેવાનો કમિટિનો સૂર રહ્યો હતો. અમેરિકાનો આર્થિક વિકાસ દરનો અંદાજ વર્તમાન સંપૂર્ણ વર્ષ માટે જે જુનમાં 6.50 ટકા ઘટવાનો મુકાયો હતો તે હવે સાધારણ સુધારીને 3.70 ટકા નીચો રહેવા મુકાયો છે. ૨૦૨૧ માટેનું જીડીપીનું આઉટલુક જે અગાઉ ૫ ટકા મુકાયું હતું તે હવે ઘટાડીને 4 ટકા મુકાયું છે. 

બેરોજગારીના દરની ટકાવારી પણ જે અગાઉ 9.30 ટકા મુકાઈ હતી તેમાં ફેરબદલ કરીને 7.60 ટકા કરાઈ છે. 2020 માટે કમિટિએ ફુગાવાનું પ્રોજેકશન વધારી 1.20 ટકા કર્યું છે જે જુનમાં 0.80 ટકા રખાયું હતું.