ગાંધીનગર-

દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તાર તાપી જિલ્લાના દોસવાડામાં વિશ્વના સૌથી મોટા ઝિંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષની સ્થાપના માટેના MoU ગુજરાત સરકાર અને વેદાન્તા ગૃપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.

સીએમના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તથા હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના સી.ઇ.ઓ અરૂણ મિશ્રાએ આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રોજેકટસના પરિણામે રાજ્યના આદિજાતિ વિસ્તારની આર્થિક-સામાજીક વિકાસની ગતિ વધુ વેગવાન બનશે તેની ભૂમિકા આપી હતી. વેદાન્તા ગૃપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ આ પ્લાન્ટ માટે રૂ. 10 હજાર કરોડનું રોકાણ દોસવાડામાં કરશે તેમજ એશિયા અને મિડલ ઇસ્ટના દેશોમાં ઝિંકની મોટાપાયે નિકાસ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રિય સ્તરે વધતી જતી માંગને પહોચી વળવા પર આ પ્લાન્ટ દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રીત કરશે. વેદાન્તા ગૃપનું ગુજરાતમાં આ પ્રથમ મોટું સાહસ છે. સીએમ વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી નવી ઔદ્યોગિક નીતિ-ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો લાભ લઇને આ આદિજાતિ વિસ્તારમાં સ્ટેટ ઓફ ધ આર્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર પણ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ દ્વારા શરૂ કરાશે. આ સેન્ટરના પરિણામે આ વિસ્તારના કુદરતી સંશાધનોનું ટેકનોલોજી અને ઇનોવેશનથી સંવર્ધન-સંરક્ષણ થઇ શકશે. દેશના અન્ય કોઇ પણ રાજ્યમાં આ પ્રકારની પારદર્શી અને ગતિશીલતાનો અનુભવ તેમને થયો નથી. 300 KTPAની ઉત્પાદન ક્ષમતા સાથે આદિજાતિ ક્ષેત્ર તાપી જિલ્લામાં સ્થપાનારા હિન્દુસ્તાન ઝિંક લીમીટેડના આ સાહસને પરિણામે 5 હજારથી વધુ સ્થાનિક યુવાઓને રોજગાર અવસર તેમજ 25 હજારથી વધુ લોકોને જીવનનિર્વાહનો આર્થિક આધાર મળતો થવાનો છે. હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના આ પ્રોજેકટનો પ્રથમ તબક્કો MoU થયાના 36 મહિનામાં કાર્યરત થઇ જશે તેમ આ અવસરે કંપની સંચાલકોએ જણાવ્યું હતું. સીએમ વિજય રૂપાણીએ નિશ્ચિત સમયમાં આ પ્લાન્ટ કાર્યરત થઇ શકે તે હેતુસર રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની તત્પરતા દર્શાવી હતી. રાજ્યમાં નિર્માણ થયેેલા કાર્યક્ષમ અને અત્યાધુનિક ઔદ્યોગિક ઈકોસીસ્ટમનો લાભ કંપનીને પ્રાપ્ત થશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આમ, દક્ષિણ ગુજરાતનો દુર્ગમ વિસ્તાર તાપી જિલ્લો આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસ આયોજનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ અગાઉ જુલાઈ-2019 માં જે.કે.પેપર્સ કંપની દ્વારા તાપી જિલ્લામાં સ્થિત પોતાની પેપર મિલ માટે રૂપિયા 1500 કરોડના ખર્ચે વિસ્તરણ અંગેના એમઓયુ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી-2021 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાનું કંપનીનું લક્ષ્ય હતું. પરંતુ, કંપનીએ આ કામગીરી ત્વરિત ગતિએ ઉપાડી છ6મહિના અગાઉ જ કામગીરી પૂર્ણ કરી લીધી છે. પ્લાન્ટ વિસ્તરણના આ પ્રોજેક્ટના લીધે અંદાજે 1000થી વધુ સ્થાનિક લોકોને રોજગારી મળશે અને વધુ 10000 ખેડૂતોને પણ લાભ થશે. હવે, આ બંને પ્રોજેક્ટથી આદિવાસી બાહુલ્યતા ધરાવતા તાપી જિલ્લામાં સામાજિક-આર્થિક વિકાસના નવા અવસરો ઉભા થશે.