ભૂજ-

કચ્છના પંચરંગી શહેર ગાંધીધામ ખાતે ભીખ માગવા મુદ્દે સર્જાયેલી માથાકૂટમાં ચાર જેટલા કિન્નરોએ આદિપુરના ચારવાડી પાસે એક યુવકના માથાના વાળ કાપી, પેન્ટ ફાડી નાખી ઢોર માર મારતાં ગંભીર ઈજાઓથી તેનું મોત નિપજતા ચકચાર ફેલાઈ છે.

અસલી અને નકલી કિન્નર અથવા ભીખ માગવાની હદ ઓળંગવા જેવા કોઈ મુદ્દે ધોળા દિવસે આ સરાજાહેર હત્યા થઈ હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે હત્યા સંદર્ભે ચારેક કિન્નરોને રાઉન્ડ અપ કરી સઘન પૂછતાછ હાથ ધરી છે. 

હત્યાનો બનાવ ગઈકાલે બપોરના એકાદ વાગ્યાની આસપાસ બન્યો હતો. ગાંધીધામની જૂની કોર્ટ પાસે રહેતો 35 વર્ષિય પ્રકાશ વેન્ડરાવ ગૌડ (આદિવાસી) ભીખ માંગીને ગુજરાન ચલાવતો હતો. પ્રકાશના નાનપણમાં લગ્ન થયેલાં પણ તેની પત્ની વર્ષોથી અમદાવાદના ઘોડાસરમાં પિયરે જ રહે છે. માતા અને બહેન જોડે રહેતો પ્રકાશ ગઈકાલે બપોરે 12 વાગ્યે ઘરેથી જમીને લીલાશા ચકરાવે જાઉં છું તેમ કહી નીકળ્યો હતો. બપોરે આદિપુરના લીલાશા સર્કલે ચાર કિન્નરોએ કોઈક કારણોસર તેને ઢોર માર માર્યો હતો. 

તેના માથાના વાળ કાતર વડે વચ્ચેથી કાપી નાખ્યાં હતા તો પેન્ટ પણ ફાડી નાખ્યું હતું. ત્યારબાદ પ્રકાશ ઘાયલ હાલતમાં ચારવાડી નજીક એક પાનના ગલ્લા પાસે ઝાડ નીચેથી મળી આવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં પ્રકાશને તેની માતા રીક્ષામાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી પરંતુ શરીરના આંતરિક અંગોમાં ગંભીર ઈજાથી તેનું મોત થયું હતું. 

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પ્રકાશના નાના ભાઈ લખનની ફરિયાદના આધારે ચાર અજાણ્યા કિન્નરો સામે ઢોર માર મારી હત્યા નીપજાવવાનો ગુનો દાખલ કર્યો છે. બનાવની તપાસ પોલીસ ઇન્સ્પેકટર કે.પી.સાગઠિયાએ હાથ ધરી છે.