અમદાવાદ, ઓનલાઈન ગેમિંગ રમવાની ટેવ ધરાવતા એક ૧૯ વર્ષના કિશોરની શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોતાના દાદીના બેંક એકાઉન્ટમાંથી રૂ. ૨.૭૧ લાખની ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરાઇં છે. ફરિયાદી ૫૭ વર્ષના નિમિષા શાહ ધરમનગરના સાબરપાર્ક સોસાયટીમાં રહે છે.તેમનું બેંક ખાતુ મોબાઈલ નંબર સાથે લિંક કરાવેલું છે. પરંતુ કેટલાક સમયથી રિચાર્જ ન કરાવેલું હોવાથી નંબર ઈએક્ટિવ થઈ ગયો હતો. 

થોડા દિવસો પહેલા નિમિષા શાહને ધ્યાને આવ્યું કે તેમના એકાઉન્ટમાંથી ૨.૭૧ લાખ રૂપિયા વિડ્રો કરાયા છે.આ પૈસાને યુપીઆઇ ટ્રાન્ઝેક્શન દ્વારા પે-ટીએમ એકાઉન્ટ તથા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાયા છે. તેમને જાણવા મળ્યું કે, મોબાઈલ નંબર જે રિચાર્જ ન કરવાના કારણે ઈનએક્ટિવ થઈ ગયો હતો. જ્યારે એકાઉન્ટમાંથી પૈસાને ૨૭ સપ્ટે.થી ૨૦ નવે.ની વચ્ચે વિડ્રો કરાયા હતા. તેમણે સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તપાસમાં દરમિયાન પોલીસના ધ્યાનમાં આવ્યું કે નિમિષા શાહનો બેંક એકાઉન્ટ સાથે લિંક હતો તે મોબાઈલ નંબર પૈસા વિડ્રો કરતા સમયે એક ચોક્કસ ડિવાઈસથી એક્ટિવેટ કરાયો હતો. આ મોબાઈલ ડિવાઈસને આઇએમઇઆઇ નંબરથી ટ્રેસ કરવામાં આવ્યું અને પૈસા ઉપાડનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ પૌત્ર જ નીકળતા નીમિષા શાહના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યારે પોલીસે દેવની પૂછપરછ કરી કે તેણે આ પૈસા શા માટે વિડ્રો કર્યા અને તેનો ખર્ચ ક્યાં કર્યો તો જાણવા મળ્યું કે, તેને પબજી અને લૂડો જેવી મોબાઈલ ગેમ કરવા પૈસાની જરૂર હતી. દેવે એમ પણ જણાવ્યું કે, તેણે આ ચોરીના પૈસાથી કેટલીક એવી વસ્તુઓ પણ ખરીદી જેના માટે તે માતા-પિતા પાસે પૈસાની માગણી કરી શકે તેમ નહોતો. તે જાણતો હતો કે તેના દાદીના એકાઉન્ટમાં પૈસા છે, તેણે યુપીઆઇ ટ્રાન્ઝેક્શન દ્વારા પોતાના ઓળખીતાના એકાઉન્ટમાં આ પૈસા ટ્રાન્સફર કર્યા હતા.