વડોદરા ઃ હાલના ચોરી, લુંટફાટ અને બેઈમાનીના જમાનામાં હજુ પણ માનવતા હજુ મરી પરવારી નથી તેનો કિસ્સો ગઈ કાલે વારસિયા વિસ્તારમાં સપાટી પર આવ્યો હતો. ખાનગી બેંકમાં કામ પતાવીને ઘરે ઝડપથી પહોંચવાની લ્હાયમાં એક મહિલાનું દાગીના, રોકડ અને મોબાઈલ ભરેલું પર્સ રસ્તામાં પડી ગયું હતું. જાેકે આ પર્સ એક ગેરેજ સંચાલક યુવકને મળતા તેણે પર્સ વારસિયા પોલીસના હવાલે કરતા પોલીસે ગણતરીના સમયમાં પર્સમાલિક મહિલાને શોધીને તેનું પર્સ તેને સુપ્રત કર્યું હતું અને ઈમાનદાર ગેરેજચાલક યુવાનનું બહુમાન કર્યું હતું.

વારસિયા વિસ્તારની પટેલપાર્ક સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ અમરભાઈ થદાણી ઘર પાસે સાંઈબાબા એપાર્ટમેન્ટમાં પોતાનું ગેરજ ધરાવે છે. ગઈ કાલે તેમને રસ્તામાંથી એક લેડીઝ પર્સ મળ્યું હતું. તેમણે આસપાસમાં તપાસ કરી હતી પરંતું પર્સમાલિક નહી મળતાં અને પર્સમાં રહેલો મોબાઈલ ફોન સતત રણકતો હોઈ તેમણે ઈમાનદારીપુર્વક તુરંત વારસિયા પોલીસ મથકમાં પર્સ રજુ કર્યું હતું. વારસિયા પોલીસ મથકના પીઆઈ કિરીટસિંહ લાઠિયાએ પર્સમાં રણકી રહેલો ફોન રિસિવ કરી ફોન કરનાર વ્યકિતને પોલીસ મથકમાં બોલાવ્યો હતો. પોલીસ મથકમાં પોતાની પત્ની સાથે આવી પહોંચેલા મોહિતભાઈ રાજકુમાર જાેષીએ જણાવ્યું હતું કે આ પર્સ તેમની પત્ની પ્રિયંકાબેનનું છે. પ્રિયંકાબેન આજે સવારે મુથુટ ફાયનાન્સ કંપનીમાં ગયા હતા અને ત્યાંથી મપેડ પર પરત ફરતી વખતે ભુલથી પર્સ રસ્તામાં ક્યાંક પડી ગયુ હતું અને તે પર્સની સતત શોધખોળ કરી રહ્યા છે. પર્સમાલિકની ખાત્રી થતાં પોલીસે મોહિતભાઈની હાજરીમાં પર્સ ખોલ્યું હતું જેમાં પર્સમાંથી સોનાનું એક મંગળસુત્ર, એક આઈફોન, બે સોનાની બંગડી, ઘડીયાળ, રોકડ રૂ.૫૫૦૦ તથા અલગ અલગ અલગ ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. તમામ ચીજાે પર્સમાં સહિસલામત મળતા દંપતી ભાવવિભોર થયું હતું. પોલીસે આ પર્સ દંપતીને સોંપ્યું હતું જયારે ઈમાનદારીનું ઉદાહરણ પુરૂ પાડનાર પ્રદીપભાઈનું પીઆાઈ લાઠિયાએ બુકે આપી બહુમાન કર્યું હતું.