વડોદરા, તા.૨૬ 

વડોદરા વન વિભાગને મળેલી માહિતીના આધારે એક્વેરિયમ અને ફીશનો વ્યવસાય કરતાં વાઘોડિયા રોડ પર રહેતા યુવાનને શિડયુલ-૧માં આવતા પ્રતિબંધિત સમુદ્રી જીવ એવા ૨૩૦ કિલો કોરલ સાથે ઝડપી પાડીને કોરલનો વિપુલ માત્રામાં જથ્થો ક્યાંથી લાવ્યો તેની તપાસ હાથ ધરી છે.

દરિયાના તટમાં રહેતા સમુદ્રી જીવ એવા કોરલ શિડયુલ-૧માં આવે છે. પ્રતિબંધિત વન્યજીવ કોરલનો વેપાર કરવો એ ગુનો છે. ત્યારે વડોદરા વન વિભાગને વર્લ્ડ વાઈલ્ડ સંસ્થાના બાતમીદારે માહિતી આપી હતી કે વડોદરામાં એક શખ્સ જે એક્વેરિયમ અને ફીશના વ્યવસાય સાથે સંકળાયેલો છે તે પ્રતિબંધિત વન વિભાગના અધિકારીઓએ કોરલ ખરીદવાના બહારને છટકું ગોઠવ્યું હતું અને કોરલ વેચવા આવેલા વડોદરાના વાઘોડિયા રોડ પર અતુલ સોસાયટી પાસે સહજાનંદ સોસાયટીમાં રહેતા આશુતોષ સખારામ ગાયકવાડને ર૦૦ કિલો કોરલ સાથે ઝડપી પાડયો હતો. ઉપરાંત વન વિભાગે તેના નિવાસસ્થાને તપાસ કરતાં વધુ ૩૦ કિલો કોરલના અવશેષો મળી આવ્યા હતા. આમ, વન વિભાગે ર૩૦ કિલો નાના કોરલ સાથે આશુતોષ ગાયકવાડને ઝડપી પાડી વેરાવળ અને ઓખાના ગેરકાયદેસર વેપાર કરતાં વેપારીઓના નંબર મળી આવતાં તેની તપાસ પણ હાથ ધરી છે. વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં આ કોરલ તે મુંબઈથી લાવતો હોવાનું જણાવ્યું હતું. વન વિભાગે મળી આવેલા નંબરોના આધારે વેરાવળ, ઓખા, મહારાષ્ટ્ર, કોલકાતા, રામેશ્વરમ્‌ વગેરે સ્થળે તપાસ હાથ ધરી છે.કોરલને ગુજરાતીમાં પરવાળા તરીકે ઓળખવામાં આવે છે અને પ્રતિબંધિત કોરલ અવશેષો ટ્રોફી શિડયુલ-૧ હેઠળ આવે છે. કોરલ વેચવા ઝડપાયેલ આશુતોષ મરીન ફીશ વર્લ્ડ ઈન્ડિયા ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ હોલસેલર ઓફ લોકલ અને ઈમ્પોર્ટ મરીન ફીશ નામની ફર્મથી મોટો પ્રતિબંધિત વન્યજીવ કોરલનો વેપાર કર્યો હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.

કોરલ ૩૦૦થી ૬૦૦ રૂપિયે કિલો વેચાય છે

સમુદ્રી જીવ કોરલ જેટલું મોટું તેટલી તેની કિંમત વધુ હોય છે. નાના પથ્થર જેવા દેખાતા કોરલ વિવિધ કલરમાં પણ જાેવા મળે છે. કોરલના નાના ટુકડા રૂા.૧૨૦થી ૩૦૦ જ્યારે મધ્યમથી મોટા કોરલ રૂા.૩૦૦થી ૬૦૦ કિલોના ભાવે વેચાતા હોવાનું જાણવા મળે છે.

એકમાત્ર મરીન પાર્ક જામનગરમાં છે

પ્રતિબંધિત કોરલ ગુજરાતના દરિયાકિનારે ૧૬૦૦ કિ.મી. લંબાઈનો છે. ભારતમાં માત્ર જામનગર મરીન નેશનલ પાર્ક, જામનગર કોરલ માટે દેશનો એકમાત્ર મરીન નેશનલ પાર્ક છે. આરોપી આ નેશનલ પાર્ક સંલગ્ન વિસ્તાર વેરાવળ-ઓખા સાથે જાેડાયેલ છે ત્યારે તે દિશામાં પણ વન વિભાગે તપાસ હાથ ધરી છે.

કોરલ એક પ્રકારે નાનો સમુદ્રી જીવ છે

કોરલ મૂંગા અને મિરજાત જેવા નામથી ઓળખાય છે. આ એક પ્રકારે નાનો સમુદ્રી જી છે, જે લાખો-કરોડોની સંખ્યામાં એક સમુદ્રમાં રહે છે. આ જીવ પોતાની આસપાસ શંખ બનાવી લે છે અને તેની અંદર તેઓ રહે છે. જ્યારે આવા લાખો શંખ એકબીજાને ચોંટીને દરિયામાં બને છે. ત્યારે તેનો સ્પર્શ લગભગ પથ્થર જેવો થઈ જાય છે.

વડોદરામાં કોરલ પકડાયાનો પ્રથમ બનાવ

વન્ય કાયદા હેઠળ પ્રતિબંધિત પક્ષીઓ, પશુઓ રાખવાની અનેક ફરિયાદો અગાઉ નોંધાઈ છે. પરંતુ સમુદ્રી જીવ કોરલ સંદર્ભે વડોદરા વન વિભાગમાં પ્રથમ કેસ નોંધાયો છે. વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.