વડોદરા, તા. ૮ 

કારેલીબાગ વિસ્તારની કુનિકા સોસાયટીમાં રહેતા યુવકના ઘરે આજે મોડી સાંજે કારેલીબાગ પોલીસે દરોડો પાડીને ઘરમાંથી મોંધા ભાવની વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન સહિત ૧૫ હજારથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

કારેલીબાગ વિસ્તારમાં આનંદનગર સામે આવેલી કુનિકા સોસાયટીમાં રહેતો હરીશ ધરમચંદ અગ્રવાલ તેના ઘરમાં વિદેશી દારૂનું વેંચાણ કરતો હોવાની કારેલીબાગ પોલીસ મથકના પીઆઈ આર એ જાડેજાને માહિતી મળતા આજે મોડી સાંજે પોકો રોહીત સુરેશભાઈ સહિતની ટીમે હરીશના ઘરે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન હરીશ ઘરમા હાજર મળતા પોલીસે તેને સાથે રાખીને તેના ઘરમાં તપાસ કરી હતી અને ઘરમાં છુપેવાલી ઓલ્ડસ્મલગર, બ્લેકડોગ, આરસી, આરએસ, બ્લેન્ડ પ્રાઈઝ વ્હીસ્કીની ૧૬ બોટલ તેમજ એબ્સ્યુલટ રાસ્બરી વોડકાની એક બોટલ તેમજ બીરા-૯૧ બિયરના ૩ ટીન મળી આવ્યા હતા. પોલીસે તેની પાસેથી કુલ ૧૫,૪૮૦ રૂપિયાનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત કરી તેની અટકાયત કરી હતી તેમજ આ દારૂનો જથ્થો કોણે આપ્યો અને તે કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.