વડોદરા  -

શહેરના છેવાડે દુમાડ ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં શહેરમાં આવી રહેલા એક કારચાલકને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેની કારમાંથી વિદેશી દારૂની ૫૮ બોટલો કબજે કરી હતી. દારૂની ગેરકાયદે હેરાફેરી કરતા યુવકની પોલીસે અટકાયત કરી તેની પાસેથી દારૂના જથ્થા સહિત ૯૮ હજારથી વધુની મત્તા જપ્ત કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચની ટીમને આજે પેટ્રોલીંગ દરમિયાન માહિતી મળી હતી કે શહેર નજીક નેશનલ હાઈવે પર દુમાડ ચોકડી પાસેથી એક ઈસમ ઈન્ડિકા કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને શહેરમાં આવવાનો છે. આ માહિતીના પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દુમાડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને માહિતી મુજબના નંબરવાળી ઈન્ડિકા કારમાં શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા યુવકને આંતર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં કારચાલક ૩૫ વર્ષીય કરશન અમરસીંગ રાઠવા (ભુમસવાડા ગામ, તા.કંવાટ, છોટાઉદેપુર) હોવાની વિગતો મળતા પોલીસે તેને સાથે રાખી કારમાં તપાસ કરી હતી જેમાં કારમાંથી ૨૫ હજારની કિંમતની વિદેશી દારૂની કુલ ૫૮ બોટલો મળી હતી.

કરશન ગેરકાયદે વિદેશી દારૂની હેરફેર કરતો હોવાની જાણ થતાં પોલીસે તેની અટકાયત કરી હતી . પોલીસે તેની પાસેથી દારૂનો જથ્થો તેમજ ઈન્ડિકા કાર, એક મોબાઈલ ફોન અને રોકડા ૬૯૦ સહિત કુલ ૯૮,૬૩૦ની મત્તા જપ્ત કરી હતી. જાેકે તેણે દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને તે શહેરમાં કોને આપવાનો હતો તે અંગે ભેદી ચુપકિદ સેવી હતી.