વડોદરા : કોરોનાના દર્દીઓ સારવાર દરમિયાન અનેક પ્રકારની હાડમારી ભોગવતા હોય છે ત્યારે ગોરવા ખાતે રહેતા માતા-પુત્રને કોરોનાગ્રસ્ત થયા બાદ શહેરની જાણીતી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કિંમતી સોના-ચાંદીના દાગીના હોસ્પિટલમાંથી ગુમ થતાં ગોરવા પોલીસ મથકે ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવીના ફુટેજ મેળવી ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે.

શહેરની ટ્રાઈકલર હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલી મહિલાએ તકિયા નીચે મૂકેલી રૂા. ૧.૨૪ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના મૂકેલી બેગની ચોરી થઇ હતી. આ અંગે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા કલ્પેશ વાઘેલા અને તેમની માતાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તબિયત લથડતાં માતા-પુત્ર સારવાર માટે ગેંડા સર્કલ ખાતે આવેલી ટ્રાઈકલર હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોસ્પિટલ સ્ટાફે સીટીસ્કેન અર્થે માતાના ઘરેણાં કઢાવી તેનું લિસ્ટ બનાવી સહી કરાવી પ્લાસ્ટિકની બેગમાં પેક કરી પુત્રને આપ્યા હતા. દાગીનામાં રૂા.૮૦ હજારની કિંમતની ચાર સોનાની બંગડી, ૨૪ હજારની કિંમતની સોનાની ચેન, ૧૧ હજારની કિંમતની સોનાની વીંટી, ૮ હજારની કિંમતની સોનાની બુટ્ટી તથા ૧ હજારની કિંમતના ચાંદીના છડા મળીને કુલ ૧.૨૪ લાખની મત્તા હતી. દરમિયાન ચોથા માળે આવેલા આઈસીયુ વોર્ડમાં દાખલ કરાતાં સોનાના દાગીનાની બેગ તેમની માતા તકિયા નીચે મૂકી સૂઈ ગયાં હતાં.

૨૩ માર્ચના રોજ સવારે દાગીનાની બેગ મળી ન આવતાં હોસ્પિટલ સ્ટાફ તથા કર્મચારીને પૂછપરછ કરી હતી, પરંતુ દાગીનાની બેગ અંગે કોઈ કડી મળી ન હતી. માતા અને પુત્ર કોરોના પોઝિટિવ હોવાથી અને હોસ્પિટલમાંથી રજા બાદ હોમ ક્વોરન્ટાઈન થયા હતા, જેથી પોલીસ ફરિયાદમાં વિલંબ થયો હતો. માતા અને પુત્ર સંપૂર્ણ સ્વસ્થ થતાં તેઓએ ગોરવા પોલીસ મથકમાં ઘટના સમયના સીસીટીવી ફૂટેજ સાથે ફરિયાદ નોંધાવી છે. ગોરવા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.