વડોદરા, તા.૨૩ 

જીએસટી કાયદા અંતર્ગત જુલાઈ-૨૦૧૭થી સપ્ટેમ્બર, ૨૦૨૦ના સમયગાળા દરમિયાન જીએસટી વિભાગ દ્વારા ગ્રોસ પર વ્યાજ ઘણાં કેસોમાં વસૂલી લીધું છે તો તેના વધારે ભરેલ રકમના રિફંડનું શું? આ બાબતે સરકર્યુલરમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી તેમ બરોડા ટેક્સ બાર એસોસિયેશને જણાવ્યું હતું.

આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન-ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ દ્વારા સરકર્યુલર તા.૧૮-૯ના દિવસે બહાર પાડવામાં આવ્યો છે તેમાં જણાવેલ હવેથી વેપારીને વેચાણ ઉપર ઉઘરાવેલ જીએસટીમાંથી ખરીદી પર ચૂકવેલ જીએસટી બાદ કર્યા પછીની ભરવાની રકમ જાે મોડી ભરશે તો નેટ રકમ પર વ્યાજ લાગશે અને અગાઉ નોટિફિકેશન તા.૧-૭-૨૦૧૭થી બધા વ્યવહારોને લાગુ પડશે.

આ સરકર્યુલરમાં જીએસટી વિભાગના અધિકારીઓને જણાવેલ છે કે નેટ ભરવાપાત્ર રકમ ઈલેકટ્રોનિકસ કેશ લેજરમાં જમા કરવાની રકમ) પર વ્યાજ વસૂલ કરવા જણાવેલ છે. જેમાં ગ્રોસ રકમ પર વ્યાજ વસૂલ કરવા માટે શોકોઝ આપી હોય તો તેને જ્યાં સુધી જીએસટી કાયદાની કલમ-પ૦માં સુધારો ન થાય ત્યાં સુધી પેન્ડિંગ રાખવા જણાવેલ છે. પરંતુ હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તા.૧-૭-૨૦૧૭થી તા.૧૮-૯-૨૦૨૦ના સમયગાળા દરમિયાન જીએસટી વિભાગના અધિકારીઓએ ગ્રોસ પર વ્યાજ ઘણાં કેસોમાં વસૂલી લીધું છે તો તેને વધારે ભરેલ રકમના રિફંડનું શું? તે બાબતે આ સરકર્યુલરમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.