દાહોદ-

દાહોદ પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જિલ્લા વહીવટી તંત્ર સાથે વિસ્તૃત ચર્ચા કરી જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને વહીવટી તંત્રની કામગીરી મુદ્દે મંથન કર્યું હતું. સ્થાનિક વહીવટી તંત્ર સાથે યોજાયેલ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા સી.એમ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ લૉકડાઉન લાદવાની કોઇ જ જરૂર નથી. કારણ કે 20 શહેરોમાં નાઇટ કર્ફ્યુ, તમામ શૈક્ષણિક સંસ્થાઓ , મોલ્સ, થિયેટરો, જિમ કોરોનાના સંક્રમણ વધતા બંધ કરવામાં આવ્યા છે.

આ સાથે જ આગામી સપ્તાહમાં ૩૦૦ પથારીની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરી છે. જેમાં દાહોદમાં ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ૨૦૦ પથારી અને જિલ્લામાં ૧૦૦ વધારાની પથારી તમામ સુવિધા સાથે દર્દીઓ માટે વધારવામાં આવશે. એટલે, દાહોદમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારાની ૩૦૦ પથારી આગામી એક સપ્તાહમાં વધી જશે. લગ્નગાળામાં કોવિડ ગાઇડલાઇનનું ચોક્કસ પાલન થાય તેવું કર્યું સૂચન કરવા જણાવ્યું હતું. સી.એમ રૂપાણીએ કહ્યું કે, દાહોદ જિલ્લામાં જે વિસ્તારોમાંથી વધુ કોરોનાના કેસો મળી આવે છે, ત્યાં ટેસ્ટ, ટ્રેસિંગ અને આઇસોલેટ કાર્યમંત્રને આધારે લોકસહકારથી ઘનિષ્ઠ આરોગ્ય ચકાસણીની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. દર્દીઓને આરોગ્યલક્ષી દવાઓની કિટ્સ પણ આપવામાં આવશે. કન્ટેઇન્મેન્ટ ઝોનના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટેની સ્થાનિક પ્રશાસનને સૂચના આપવામાં આવી છે.