રાજપીપળા, તા.૨૮ 

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની માંગને લઈને નાંદોદના કોંગ્રેસી ધારાસભ્ય પી.ડી.વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.પી.ડી. વસાવાનું કેહવું છે કે રાજ્યના શિક્ષકો સાથે અન્યાય થઇ રહ્યો છે, જો એમને ન્યાય નહિ મળે તો કોંગ્રેસ શિક્ષકોની પડખે રહીને રાજ્ય વ્યાપી આંદોલન કરશે.

ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચરત માધ્યમિક શિક્ષકોના કેટલાક પડતર પ્રશ્નોને લઈને વિવિધ શિક્ષક સંઘ આંદોલન કરી રહ્યા છે.નર્મદા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ રાઠોડ, નર્મદા જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ પ્રમુખ મહેન્દ્રસિંહ સિંધા સહીત શિક્ષકોએ પોતાની વિવિધ માંગણીઓ અંગે નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાને લેખિત રજૂઆત કરી હતી જે સંદર્ભે ધારાસભ્ય પી.ડી.વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી નર્મદા જિલ્લાના અને રાજ્યના તમામ શિક્ષકોની જે માંગણીઓ છે સત્વરે પુરી કરવાની માંગ કરી છે.નહી તો કોંગ્રેસ શિક્ષકોની પડખે રહી આંદોલન કરશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.

આ બાબતે ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને પ્રાથમિક શિક્ષકોની જેમ પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરીને સળંગ ગણાવા માટેનો ઠરાવ કરેલો છે તે પ્રમાણે લાગુ કરવા શિક્ષકોની માંગ છે.

આ સાથે બીન શરતી કાયમી ફાજલને રક્ષણનો પણ કોઈ ઉકેલ આવ્યો નથી અને સાતમા પગાર પંચ એરીયર્સના હપ્તા વગેરેની માંગણી છે.તો સરકારને મારી રજુઆત છે કે સરકાર વહેલી તકે એ પૂર્ણ કરે.

આ બાબત હું મુખ્યમંત્રી વિજય રૂપાણીને રૂબરૂ મળીને પણ રજૂઆત કરીશ અને જો શિક્ષકોની માંગણી નહિ સ્વીકારે તો કોંગ્રેસ રાજ્યના તમામ શિક્ષકોની પડખે રહીને રાજ્ય વ્યાપી આંદોલન-ધારણા પ્રદર્શન કરતા પણ ખચકાશે નહિ.