દિલ્હી-

ભારતીય સેનાને વધારે મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી હથિયારોની પૂરજાેશમાં ખરીદી ચાલી રહી છે.

જેના ભાગરુપે રક્ષા મંત્રાલયે હવે ૧૧૮૮ કરોડ રુપિયાના ૪૯૬૦ મિલાન -૨ટી એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. મહત્વની વાત એ છે કે, આ મિસાઈલ્સનુ નિર્માણ ભારતમાં જ થવાનું છે. ભારતની કંપની તેનુ નિર્માણ કરશે. આ માટે ફ્રાંસની ડિફેન્સ ફર્મે લાઈસન્સ પણ આપી દીધું છે.

આ મિસાઈલ્સ ખરીદવાનો સોદો લાંબા સમયથી ઘોંચમાં પડ્યો હતો. તેના માટે સતત પ્રયાસ કરાઈ રહ્યા હતા. જાેકે તેના પ્રોડક્શનમાં વિલંબ થઈ રહ્યો હતો. હવે ભારતમાં જ તેના પ્રોડક્શનના કારણે મેક ઈન ઈન્ડિયા અભિયાનને વધારે વેગ મળશે. આ માટે સરકારે ભારત ડાયનેમિક્સ લિમિટેડ સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે.

એન્ટી ટેન્ક મિસાઈલ ટેન્ક સહિતના બખ્તરબંધ વાહનોને ફૂંકી મારવા માટે ઉપયોગમાં લેવાય છે અને ભારતે જે મિસાઈલ માટે સોદો કર્યો છે તે થર્ડ જનરેશનના છે. આ મિસાઈલને જમીન પરથી અથવા તો વ્હીકલ પરથી લોન્ચ કરી શકાય છે. મિસાઈલ્સના સામેલ થવાથી ભારતની સેનાને વધારે મજબૂતી મળશે.