દિલ્હી-

આજથી એટલે કે પહેલી માર્ચથી લાગુ થનારા કેટલાક ફેરફારો એવા છે કે તે તમારા જીવન સાથે સીધા સંકળાયેલા છે અને તમારા જીવન પર તેની સીધી અસર થાય છે. વિજયા બેંક અને દેના બેંક આજથી પોતાના આઈએફએસસી કોડ બદલશે, તેને પગલે એ બેંકોના ગ્રાહકોએ નવા કોડ લેવા પડશે. આ ઉપરાંત બીજા કયા પાંચ ફેરફારો છે, તેની જાણકારી મેળવીએઃ

1. દેના બેંક અને વિજયા બેંકના જૂના આઈએફએસસી કોડ કામ નહીં કરેઃ


કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા દેના બેંક અને વિજયા બેંકને બેંક ઓફ બરોડામાં વિલિન કરી દીધી હતી. ત્યારબાદ આ બંને બેંકોના ગ્રાહકો બેંક ઓફ બરોડાના ખાતેદારો બની ગયા હતા. વિજયા બેંક અને દેના બેંકના આઈએફએસસી કોડ આજથી બંધ થઈ જશે આમ આ ગ્રાહકોએ પોતાના નવા આઈએફએસસી કોડ બેંકો પરથી લેવા પડશે. ગ્રાહકો એ માટે ટોલ ફ્રી નંબર 18002581700 પર ડાયલ પણ કરી શકે છે. 

2. ટોલ પ્લાઝા પર ફ્રી ફાસ્ટેગ નહીં મળેઃ


નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા એનએચએઆઈએ કહ્યું છે કે 1 માર્ચથી ગ્રાહકોને ટોલ પ્લાઝા ખાતેથી ફાસ્ટેગ ખરીદવા માટે 100 રૂપિયા ચાર્જ આપવો પડશે. આ પહેલા ફાસ્ટેગને પ્રોત્સાહન આપવા માટે એનએચએઆઈ દ્વારા ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ મફત આપવામાં આવતો હતો, પણ હવે તે માટે ચાર્જ આપવો પડશે. 

3. એસબીઆઈ ગ્રાહકો માટે કેવાયસી ફરજીયાતઃ


આજથી એસબીઆઈએ પોતાના ગ્રાહકોને માટે કેવાયસી ફરજીયાત કરી નાંખ્યા છે. જે ગ્રાહકોનું કેવાયસી વેરીફીકેશન નહીં થયું હોય, તેમને મળતી તમામ સરકારી યોજનાની કે સબસીડીની સુવિધાઓ આજથી બંધ કરી દેવાશે. દેશની સૌથી મોટી બેંકે આ માટેનો આદેશ અગાઉથી જ આપી દીધો છે. 

4. ગેસ સિલિન્ડરના ભાવોઃ


દેશની ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવો નક્કી કરે છે, એ જોતાં આજથી એલપીજી સિલિન્ડરની કિંમતોમાં રૂપિયા 25નો વધારો કરી દેવાયો છે. આ ફેરફાર લાગુ કરી દેવાયો છે. આ ભાવવધારો સબસીડી વિનાના ગેસ સિલિન્ડર પર લાગુ હશે.

5. કોરોના વેક્સિનનો બીજો તબક્કો શરૂઃ


દેશભરમાં પહેલી માર્ચથી કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો છે. પહેલા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાયા બાદ હવે દેશભરના વરીષ્ઠ નાગરીકો અને 45 વર્ષથી ઓછી ઉંમર છતાં ગંભીર રોગ ધરાવતા લોકોને કોરોના રસી આપવાની ઝૂંબેશ આજથી શરૂ કરાશે. આ અભિયાનની શરૂઆત વડાપ્રધાન મોદીએ સોમવારે સવારે પોતે રસી મુકાવીને કરી હતી. ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોમાં તેનો ચાર્જ રૂપિયા 250 નક્કી કરી દેવાયો છે જ્યારે સરકારી હોસ્પિટલમાં તેનો ચાર્જ નથી લેવાતો.