દિલ્હી-

પ્રજાસત્તાકદિને રાજધાનીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન કેટલાંક પ્રદર્શનકારી ખેડૂતો દ્વારા કથિત રીતે લાલ કિલ્લા પર ચઢાઈ કરવામાં આવી અને અનેક ઠેકાણે તોડફોડ કરાઈ એ બાબતે આ રેલી કરનારા ખેડૂતોની દેશ-વિદેશમાં ભારે ટીકા થયા બાદ ખેડૂત નેતાઓ સક્રિય થયા છે અને આંદોલન બદનામ ન થાય એ માટે મોડે મોડે પણ તેમણે કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાય છે. 

ટ્રેક્ટર રેલી દરમિયાન ખેડૂતોને ભડકાવીને તેમનો રૂટ બદલી નાંખનારા કે તેમને નિયત માર્ગ પર જવા ન દેનારા કેટલાક શખ્સોની ખેડૂત નેતાઓએ ઓળખ કરી લીધી છે અને તેમને પોતાના આંદોલનથી અલગ કરી દીધા છે. મળતા હેવાલ પ્રમાણે આઝાદ કિસાન સમિતિના પ્રમુખ હરપાલ સિંઘ અને ભારતીય કિસાન સંઘના સુરજીત સિંઘને ખેડૂત આંદોલનમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. એટલું જ નહીં પણ ત્રણ નેતાઓની એક કમિટિ બનાવવામાં આવી છે, જે આ સમગ્ર પ્રકરણમાં તપાસ પણ કરશે. પ્રજાસત્તાકદિને ખેડૂત નેતાઓને બદલે કેટલાંક તોફાની દેખાવકારોએ રેલીનો આપખુદ હવાલો લઈ લેવાને પગલે આ પ્રકારની અરાજક્તા સર્જાઈ હોવાનું જણાયું હતું.