વડોદરા : શહેરના ફતેગંજ પોલીસ મથકમાં જેમ આરોપીને મારીને ફેંકી દીધો એવા હાલ તારા કરીશ, જાે તારે જાન બચાવવી હોય તો હમણાં ને હમણાં રૂા.પ૦ હજાર લઈ આવ એવી ધમકી આપી તોડ કર્યો હોવાનો જે.પી. રોડ પોલીસ મથકના પીએસઆઈ જેસાણી સહિત અન્ય ત્રણ પોલીસ કોન્સ્ટેબલોએ રૂા.૪૦ હજાર લીધા હોવાની લેખિત રજૂઆત શહેર પોલીસ કમિશનર, રાજ્યના પોલીસવડા, માનવ અધિકાર પંચ, આઈજી સીઆઈડી, એસીબી અને આરોગ્ય સચિવને કરાતાં પોલીસબેડામાં ખળભળાટ મચી છે.  

લાંચ લેવા માટે આરોપીને મારી પણ નાખવાની હદ સુધી જતી શહેર પોલીસે અગાઉ આરોપીઓને છોડવા માટે મોટી રકમ પોલીસ મથકોમાં જ સ્વીકારી હોવાની ફરિયાદો બહાર આવી છે. ત્યારે સામાન્ય આરોપીઓ બાદ જે.પી. રોડ પોલીસ મથકના પીએસઆઈએ પોલીસ મથકના જ સરકારી ગવાહને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂા.૪૦ હજાર પોલીસ મથકમાં જ અન્ય ત્રણ જવાનોની મદદથી લીધા હોવાની ફરિયાદ સરકારી ગવાહ અને તાંદલજાના લોખંડના વેપારી સાદીક ગુલામનબી ઘાંચીએ નોટરી સમક્ષ સોગંદનામું કરી કરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે હું તાંદલજા મુકામે સંતોષનગર પાસે લોખંડ-ભંગારનો વ્યાપાર કરું છું અને મહાબલીપુર તાંદલજા ખાતે રહું છું. તા.૧ સપ્ટેમ્બરના રોજ મારી દુકાને જે.પી.રોડ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ મુન્નાભાઈએ આવીને સાદીકભાઈ તમને પીએસઆઈ જેસાણી કામે બોલાવે છે એવું જણાવતાં પંચ તરીકે લઈ જવા માગતા હશે એમ માની પોલીસ મથકે પહોંચતાં જ પહેલા માળે ખૂણામાં આવેલી રૂમમાં લઈ જઈ પીએસઆઈ જેસાણીએ ફોનમાં વીડિયો બતાવ્યો હતો. ભંગાર આપનારનો ફોટો બતાવી ચોરીનો માલ લેવા અને સંગ્રહવા બાબતે ધમકાવી માર માર્યો હતો, જેમાં પોલીસ કોન્સ્ટેબલ મુન્નો, દેવેન્દ્રસિંહ અને સિદ્ધાર્થસિંહે પણ મને ઢોરમાર માર્યો હતો. આ ચોરીનો નહીં પરંતુ વીડિયોમાં દેખાતા ઈસમે મને પોતાનો જ માલ વેચ્યો હોવાનું જણાવ્યું હતું.આ બાબતે પોલીસ મથકમાં સીસીટીવી કેમેરામાં પણ પુરાવા છે એમ જણાવતાં મને ડંડાથી સખ્તમાં સખ્ત માર માર્યો હતો. થોડી થોડી વારે જતાં-આવતાં પીએસઆઈ જેસાણી અને મુન્ના રબારી, દેવેન્દ્રસિંહ, સિદ્ધાર્થસિંહ જતાં-આવતાં ગાલના ભાગે, બરડાના ભાગે લાફા-લાતો મારી મને નહીં કરેલી ચોરીનો ગુનો કબૂલવા ધાકધમકી આપી હતી. પીએસઆઈ જેસાણીએ જણાવેલ કે તને મારી સત્તાની ખબર નથી, મારી નાખીશ અને તારી લાશ ફતેગંજ પોલીસ સ્ટેશનની માફક ફેંકાદી દઈશ, કોઈને ખબર પણ નહીં પડે. અંતે મારી પાસે રૂા.પ૦ હજારની માગણી કરી હતી. એ વાત મેં પિતાને ફોન કરી જણાવતાં મારા પિતા તાત્કાલિક રૂા.૪૦ હજારની વ્યવસ્થા કરી પોલીસ મથકમાં આપી ગયા હોવાની ચોંકાવનારી ફરિયાદ સાદીકભાઈએ પોલીસ કમિશનર સહિત ગાંધીનગર, અમદાવાદના ઉચ્ચ અધિકારીઓને કરી છે.