દિલ્હી-

રાજસ્થાનમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા સેવાઇ રહી છે. માત્ર બે જિલ્લામાં જ 600થી વધુ બાળકો સંક્રમિત થઇ ગયા. કોરોનાની ત્રીજી લહેર બાળકોને ભારે પડશે તેવી શંકા હતી. જે રાજસ્થાનમાંથી સાચી પડતી દેખાઇ રહી છે. અત્યારે દૌસા અને ડુંગરપુર બે જિલ્લામાં કોરોનાએ બાળકોને પોતાની ચપેટમાં લીધા છે.

આરોગ્ય વિભાગના આંકડા મુજબ દૌસામાં 1થી 21 મે સુધી 18 ઓછી વયના ઓછામાં ઓછા 341 બાળકો કોરોના પોઝિટિવ થઇ ગયા. ડુંગરપુરની સ્થિતિ તેના કરતા પણ ગંભીર હોવાનું લાગે છે. કારણ કે દૌસામાં 21 દિવસમાં 300થી વધુ કેસ આવ્યા. જ્યારે ડુંગરપુરમાં 12થી 22 મેના માત્ર 10 દિવસમાં જ 255 બાળકોને કોરોનાનો ચેપ લાગી ગયો.ડુંગરપુરના કલેક્ટર સુરેશકુમાર ઓલાએ જો કે બાળકોમાં કોરોનાના લક્ષણને સામાન્ય ગણાવ્યા અને તેની સંખ્યા વધુ નહીં હોવાનું જણાવ્યું. જ્યારે જિલ્લાનાજ સીએમઓએ બાળકોમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યાની કબૂલાત કરી છે. સુરેશકુમારે કહ્યું કે તેમના જિલ્લામાં કોરોનાનું સંક્રમણ એકદમ સામાન્ય છે. કારણ કે માતા-પિતા સંક્રમિત થાય એટલે બાળકોને પણ ચેપ લાગી રહ્યો છે. પરંતુ તેની સંખ્યા બહુ ઓછી છે. બીજી બાજું ડુંગરપુરના સીએમઓ રાજેશ શર્માએ જણાવ્યું કે માત્ર છેલ્લા 10 દિવસમાં જ અઢીસોથી વધુ બાળકો કોરોનાન ચપેટમાં આવી ગયા. પરંતુ સારી વાત એ છે કે હજુ સુધી અહીં કોઇ બાળકનું કોરોનાથી મોત થયું નથી. છતાં જોખમ બનેલું છે, કારણ કે કોરોના બીમારી એવી છે કે ક્યારે, ક્યાં, કોને શું થઇ જાય તે કહી શકાતું નથી.