દુબઈ 

 ઈન્ડિયન પ્રીમિયર લીગની 29 મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ સનરાઇઝર્સ હૈદરાબાદને 20 રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી છે. ચેન્નઈની આ આઠમી મેચ હતી, તેણે અત્યાર સુધી પાંચ મેચ ગુમાવી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 6 વિકેટે 167 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં વિકેટે રન બનાવી શકી હતી. તો હૈદરાબાદનો આ પાંચમો પરાજય છે. તેણે આઠ મેચ રમીને માત્ર ત્રણ જીત મેળવી છે.

ચેન્નઈએ આપેલા 168 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પ્રથમ ઝટકો કેપ્ટન ડેવિડ વોર્નર (9)ના રૂપમાં લાગ્યો હતો. વોર્નરને સેમ કરને આઉટ કર્યો હતો. ત્યારબાદ જોની બેયરસ્ટો (23)ને રવિન્દ્ર જાડેજાએ બોલ્ડ કરીને ચેન્નઈને ત્રીજી સફળતા અપાવી હતી. બેયરસ્ટોએ 24 બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા.

મનીષ પાંડે (4) સિંગલ લેવાની ઉતાવળમાં બ્રાવોના સીધા થ્રો દ્વારા રનઆઉટ થયો હતો. પ્રિયમ ગર્ગ (16)ને કરણ શર્માએ આઉટ કરીને હૈદરાબાદને ચોથો ઝટકો આપ્યો હતો. વિજય શંકર પણ માત્ર 12 રન બનાવી આઉટ થયો હતો. હૈદરાબાદ તરફથી એકમાત્ર કેન વિલિયમસને અડધી સદી ફટકારી હતી. વિલિયમસન 39 બોલમાં 7 ચોગ્ગા સાથે 57 રન બનાવી આઉટ થયો હતો. તેને કરણ શર્માએ આઉટ કર્યો હતો. રાશિદ ખાન 8 બોલમાં 14 રન બનાવી હિટ વિકેટ થયો હતો. શાહબાઝ નદીમને બ્રાવોએ આઉટ કર્યો હતો. ચેન્નઈ તરફથી બ્રાવો અને કરણ શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી. આ સિવાય સેમ કરન, જાડેજા અને શાર્દુલ ઠાકુરને એક-એક સફળતા મળી હતી.

ચેન્નઈએ આજે ફાફ ડુ પ્લેસિસ અને સેમ કરન પાસે ઈનિંગની શરૂઆત કરાવી હતી. તેને આ રણનીતિમાં થોડો ફાયદો જરૂર થયો હતો. પરંતુ ફાફ ડુ પ્લેસિસ ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. તેને ઈનિંગની ત્રીજી ઓવરમાં સંદીપ શર્માએ કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ સેમ કરનના રૂપમાં ચેન્નઈએ બીજી વિકેટ ગુમાવી હતી. કરન માત્ર 21 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 21 રન બનાવી સંદીપ શર્માની ઓવરમાં આઉટ થયો હતો.

35 રન પર બે વિકેટ ગુમાવ્યા બાદ શેન વોટસન અને અંબાતી રાયડૂએ ચેન્નઈની ઈનિંગને સ્થિરતા આપી હતી. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 116 રન હતો ત્યારે અંબાતી રાયડૂ (41) રન બનાવી ખલીલ અહમદનો શિકાર બન્યો હતો. રાયડૂએ 34 બોલની ઈનિંગમાં 3 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. શેન વોટસન (42)ને ટી નટરાજને મનીષ પાંડેના હાથે કેચ આઉટ કરાવીને હૈદરાબાદને ચોથી સફળતા અપાવી હતી. વોટસને 38 બોલમાં 3 છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો.

એમએસ ધોનીએ 13 બોલનો સામનો કરતા 2 સિક્સ અને 1 ચોગ્ગા સાથે 21 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 10 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 25 રન ફટકારી ટીમનો સ્કોર 165ને પાર પહોંચાડ્યો હતો. ડ્વેન બ્રાવો (0)ને ખલીલે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. હૈદરાબાદ તરફથી સંદીપ શર્મા, ખલીલ અહમદ અને ટી નટરાજને બે-બે વિકેટ ઝડપી હતી.