રાજકોટ-

રાજકોટ શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સ્માર્ટ સિટીઝ મિશન હઠળ ‘ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ ચેલેન્જની શરૂઆત કરવામાં આવી છે. આ ચેલેન્જમાં વિવિધ ૧૧૩ શહેરોએ ભાગ લીધો હતો. તેમાંથી રાજકોટની ૧૧માં ક્રમે પસંદગી કરવામાં આવી છે. તેથી સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત રાજકોટમાં સાઇકલની પ્રવૃત્તિને વેગ આપવા રૂ.૧ કરોડ પુરસ્કારરૂપે મળશે.

આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, શહેરોને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલને ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશથી સ્માર્ટ સિટીઝ મિશન દ્વારા ‘ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ ચેલેન્જની શરૂઆત કરવામાં આવી હતી. આ ચેલેન્જમાં ટોપ ૧૧ શહેરોની પસંદગી તા.૨૮-૦૭-૨૦૨૧ના રોજ કરવામાં આવી હતી અને તેમાં રાજકોટ શહેરની પણ પસંદગી થતા શહેરને રૂપિયા ૧ કરોડનો પુરસ્કાર મળશે. જેનો ઉપયોગ શહેરમાં સાયકલિંગને પ્રમોટ કરવા તેમજ તેનો વ્યાપ વધારવા માટે કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ચેલેન્જમાં રાજકોટ શહેરે ઇટલી દ્વારા સંચાલિત કેપેસીટીઝ પ્રોજેક્ટના સહયોગથી ભાગ લીધો હતો. રાજકોટમાં આ ચેલેન્જના ભાગ રૂપે પોટેન્શિયલ સાયકલિંગ રૂટ અને સાયકલિંગ દરમિયાન લોકોને જરૂરી સુવિધાઓ અંગે એક સર્વે કરવામાં આવ્યો હતો. જેના બાદ BRTS રૂટ પર એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો.