ગાંધીનગર-

આખરે ઘણા સમય બાદ કોરોના વિશે કંઇ સારુ સાંભળવા મળ્યુ... સારા સમાચાર એ છે કે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હવે કોરોનાના કોઈ કેસ નથી નોંધાઈ રહ્યા. બીજી લહેરમાં અનેક લોકોએ કોરોનાએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે હવે કોરોનાના આંકડા શુન્યમાં આવતા રાહત થઈ છે.

આંકડાઓની વાત કરવામાં આવે તો, રાજ્યમાં મંગળવારે જાહેર કરવામાં આવેલા 24 કલાકના આંકડાઓ મુજબ 25 જિલ્લાઓ અને 3 મહાનગરોમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્યમાં આ સમયગાળા દરમિયાના માત્ર 30 નવા કેસ નોંધાયા છે અને કોઈ પણ વ્યક્તિનું મોત થયુ નથી. એક તરફ બીજી લહેરનો અંત અને બીજી તરફ સતત રસીકરણ વચ્ચે કોરોનાના કેસ ઓછા થયા છે ત્યારે હવે રાજ્ય સરકારે રાહતનો શ્વાસ લીધો છે. ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે હાલ તો રાજ્ય માટે આ સારા સમાચાર છે પરંતુ તે કેટલા સમય રહે છે તે પણ જોવાનું રહેશે.

કોરોનાના નવા કેસ સાથે સાથે એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં માત્ર 285 એક્ટિવ કેસ છે, તેમાંથી 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રિકવરી રેટની વાત કરીએ તો રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચ્યો છે. અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 10,0076 લોકોના કોરોનાથી મોત થયા છે.