આણંદ : ચરોતર હંમેશા દુનિયા સાથે કદમ મિલાવવામાં આગળ રહ્યું છે. આજે કોરોનાની વૈશ્વિક મહામારીમાં પણ ચરોતરે આત્મનિર્ભરતાનું એક જબરદસ્ત ઉદાહરણ દુનિયાને પૂરું પાડ્યું છે. સરદાર પટેલની આ ભૂમિમાં સહકારિતા હંમેશા અવ્વલ રહે છે. સરદાર પટેલ પુનઃ પ્રાપ્ય ઊર્જા અનુસંસાધન સંસ્થા દ્વારા તાજેતરમાં આણંદ તાલુકાની સ્વસહાય જૂથની મહિલાઓને સેનિટાઇઝર કેવી રીતે બનાવી શકાય તે અંગેની એક દિવસીય તાલીમ આપવામાં આવી હતી! આ તાલીમનું આયોજન બાયો-ઇથેનોલ પ્રયોગશાળા, બાયો કન્વર્ઝન વિભાગ સ્પ્રેરીમાં કરવામાં આવ્યું હતું. 

આ તાલીમમાં આણંદ તાલુકાના ગામડી, આજુપૂરા, રાજુપૂરા, સીમાડા અને સારસા ગામોમાંથી ૪ સ્વસહાય જૂથોએ ભાગ લીધો હતો, જેમાં પ્રયોગશાળામાં ડૉ.દશન રૂડકિયા, સમીરભાઈ ડેડાનિયા અને ડૉ.શ્યામલી શર્મા દ્વારા સ્વસહાયના જૂથોની મહિલાઓને સેનિટાઇઝર બનાવવાની એક દિવસીય તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન સેનિટાઇઝર બનાવતી વખતે શું તકેદારી રાખવી, કેવી રીતે સેનિટાઈઝર બનાવી શકાય અને તેનું પેકિંગ કઈ રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉપરાંત મહિલાઓને આ તાલીમમાં સરદાર પટેલ પુનઃપ્રાપ્ય ઊર્જાની તકનિકી કામગીરીઓ જેવી કે સોલાર વોટર પમ્પ, સોલાર રૂફટોપ, સોલાર કૂકર, સોલાર વોટર હીટર, ઉન્નત ચુલ્હા, ધાબાનો ચુલ્હો, માઇક્રો સોલાર ડોમ, સોલાર ઇન્સેકટ ટ્રેપ અને વિવિધ ગોબર ગેસ પ્લાન્ટ પણ બતાવવામાં આવ્યાં હતાં.

આ તાલીમમાં આણંદ જિલ્લાના ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીના મેનેજર શ્રીમતી બીનાબેન ત્રિવેદી, તાલુકા મેનેજર શ્રીમતી જાગૃતિબેન અને સહાયક મેનેજર શ્રીમતી આરતીબેન ઉપસ્થિત રહ્યાં હતાં.