નવી દિલ્હી

2021નું સ્વાગત આ વર્ષે થોડું અલગ રહ્યું છે. સામાન્ય રીતે મોટાભાગના સેલેબ્સ નવા વર્ષનું સ્વાગત કરવા માટે વિદેશ ફરવા ઉપડી જતાં હોય છે પરંતુ 2020માં કોરોના મહામારીના લીધે ગણ્યાગાંઠ્યા સેલેબ્સ હોલિડે માટે વિદેશ ગયા છે. કેટલાક સેલેબ્સે ભારતના જ વિવિધ સ્થળોએ જઈને નવા વર્ષનું સ્વાગત કર્યું છે તો કેટલાકે હાઉસ પાર્ટી કરીને સંતોષ માન્યો છે. હાઉસ પાર્ટી કરનારા સેલેબ્સમાં ક્રિકેટર વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માનો સમાવેશ થાય છે. અનુષ્કા શર્માના પ્રેગ્નેન્સીના છેલ્લા મહિના ચાલી રહ્યા છે ત્યારે આ વખતે કપલે નજીકના મિત્રો સાથે ડિનર કરીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.


વિરાટના ક્રિકેટર મિત્રો સાથે મિસ્ટર એન્ડ મિસિસ કોહલીએ નવા વર્ષને વેલકમ કર્યું હતું. વિરાટ કોહલીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ગત રાતના ડિનરની ઝલક બતાવી છે. જેમાં વિરાટ-અનુષ્કા સાથે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાને જોઈ શકાય છે. આ સિવાય પણ અન્ય કેટલાક મિત્રો ડિનર દરમિયાન હાજર હતા. તસવીરો શેર કરતાં વિરાટે લખ્યું, "જે મિત્રો નેગેટિવ આવ્યા છે તે સાથે પોઝિટિવ સમય વિતાવી રહ્યા છે.☺️ મિત્રો સાથે ઘરે સુરક્ષિત વાતાવરણમાં ગેટ ટુ ગેધરનું આયોજન કરવાથી સારું કશું જ નથી. આશા છે કે આ વર્ષ અઢળક ખુશી, આનંદ, આશા અને સારું સ્વાસ્થ્ય લઈને આવશે. સુરક્ષિત રહો.

વિરાટે મિત્રો સાથેની તસવીરો શેર કરવા ઉપરાંત પત્ની અનુષ્કા સાથેની તસવીર પણ શેર કરી છે. બ્લેક રંગના પ્રિન્ટેડ શોર્ટ ડ્રેસમાં અનુષ્કા હંમેશાની જેમ સુંદર લાગતી હતી. બ્લેક શર્ટમાં વિરાટ હેન્ડસમ લાગતો હતો. હાર્દિક પંડ્યા અને નતાશાએ પણ બ્લેક રંગના કપડાંમાં ટ્વિનિંગ કર્યું હતું. નતાશાએ હાર્દિક પંડ્યા સાથેની તસવીર શેર કરીને સૌને નવા વર્ષની શુભકામના આપી હતી.