ગાંધીનગર-

રાજ્યમાં હાલ 18થી 44 વયજૂથમાં વેક્સિનેશન માટે અગાઉથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને સ્થળ, સમય અને તારીખનો સ્લોટ SMS દ્વારા મળ્યા મુજબ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવે છે પણ હવે થી વૉક ઇન વેક્સિનેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આગામી વિશ્વ યોગ દિવસ તારીખ 21મી જૂન 2021થી સમગ્ર રાજ્યમાં 18 થી 44 ની વયજૂથના લોકો માટેની આ વ્યવસ્થા કરી છે.

કોરોનાથી બચવાના અકસીર શસ્ત્ર તરીકે વધુને વધુ લોકોને વેક્સિન અન્વયે આવરી લેવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા રૂપે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારે પણ રાજ્યોને વેક્સિનેશનના પૂરતા ડોઝ ઉપલબ્ધ કરાવતાં વેક્સિનેશનનની આ પ્રક્રિયા વધુ વેગવંતી બનશે. ગુજરાતે અત્યાર સુધીમાં 2 કરોડ 15 લાખ વેક્સિન ડોઝ આપીને દેશભરમાં અગ્રીમ સ્થાન મેળવેલું છે. આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વોરિયર્સ, 45થી વધુ વયના લોકો તેમજ કોમોર્બીડ વ્યક્તિઓના રસીકરણમાં પણ ગુજરાત અગ્રીમ રાજ્યોમાં રહ્યું છે. ગુજરાત આ ક્ષેત્રે પણ દેશના રાજ્યોમાં પ્રથમ પંક્તિમાં રહેવા સંકલ્પબદ્ધ બનશે. અગાઉથી રજીસ્ટ્રેશન કરાવીને SMS મારફતે સ્લોટ મેળવેલા લોકોને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે.