નવી દિલ્હી

વિશ્વમાં BCCI ધનિક બોર્ડ માનવામાં આવે છે, જ્યારે શ્રીલંકા અને ઝીમ્બાબ્વેના બોર્ડની હાલત ખૂબ જ કંગાળ છે. જેની અસર ટીમના કેપ્ટનની સેલરીમાં પણ જોવા મળે છે. જોકે ક્રિકેટની દુનિયામાં વિરાટ કોહલી વિશ્વના ધનિક બોર્ડની ટીમનો કેપ્ટન હોવા છતાં સેલરીના મામલામાં આગળ નથી. તેનાથી આગળ અન્ય કેપ્ટનના નામ છે, જુઓ કોણ છે આગળ.


ઇંગ્લેંડની ટેસ્ટ ટીમનો કેપ્ટન જો રુટ  વિશ્વમાં સૌથી વધારે સેલરી ધરાવતો કેપ્ટન છે. આ અંગ્રેજ કેપ્ટનને વર્ષે 8.9 કરોડ રુપિયા મળી રહ્યા છે. ઇંગ્લેંડ બોર્ડ ટેસ્ટ ટીમને ખૂબ જ મહત્વ આપે છે. જેથી જ ટેસ્ટ કેપ્ટન રુટની સેલરી વિશ્વમાં સૌથી વધારે છે. જોકે તેની સામે વન ડે અને ટી20 કેપ્ટન ઇયોન મોર્ગનની સેલરી માત્ર રુ. 1.75 કરોડ મળે છે.


ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનુ નામ આ યાદીમાં બીજા સ્થાન પર છે. તેને BCCI દ્વારા એ પ્લસ કોન્ટ્રાક્ટ હેઠળ સમાવેલો છે. જેમાં વિરાટ કોહલીને વર્ષે 7 કરોડ રુપિયા મળે છે. કોહલી ટીમ ઇન્ડીયા (Team India)ની ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ ધરાવે છે.


ઓસ્ટ્રેલીયન કેપ્ટન ટીમ પેન  અને આરોન ફિંચ (Aaron Finch) ત્રીજા નંબર પર આવે છે. બંને ક્રિકેટર ઓસ્ટ્રેલીયા પાસેથી 4.87 કરોડ રુપિયા વાર્ષિક સેલરી મેળવે છે. ટિમ પેન ટેસ્ટ ટીમ અને ફિંચ ટી20 અને વન ડે ટીમનો કેપ્ટન છે.


દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમની સ્થિતી હાલમાં ખરાબ ચાલી રહી છે. જોકે આ ટીમના ટેસ્ટ કેપ્ટન ડિન એલ્ગર (Dean Elgar)ને પ્રમાણમાં સારી મળી રહી છે. તેને 3.2 કરોડ રુપિયા મળી રહ્યા છે. તો ટી20 અને વન ડે કેપ્ટન ટેંબા બાવુમા (Temba Bawuma) ને 2.5 કરોડ રુપિયા મળે છે.


ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનએ ટીમને ખૂબ ઉંચાઇ પર પહોંચાડી છે. પરંતુ ન્યુઝીલેન્ડના બોર્ડ પાસે વધારે સારી આર્થિક સ્થિતી નથી. જેને લઇને તેને સેલરી પણ મર્યાદિત મળી રહી છે. તેને વર્ષે 1.77 કરોડ મળી રહ્યા છે. તે ટીમના ત્રણેય ફોર્મેટનો કેપ્ટન છે.


વેસ્ટઇન્ડીઝ ટી20 અને વન ડે ટીમ ના કેપ્ટન કિયરોન પોલાર્ડને વર્ષે 1.73 કરોડ ચુકવે છે. પોલાર્ડ હાલમાં જ કેપ્ટન બન્યો છે. કેગ બ્રેથવેટ (craig braithwaite) ટેસ્ટ ટીમનો કેપ્ટન છે, તેને 1.39 કરોડ મળી રહ્યા છે.


પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ આ યાદીમાં ખૂબ જ પાછળ છે. તેને વરસે દહાડે 62.4 લાખ રુપિયા જ સેલરી મળી રહી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની હાલત પણ ખૂબ જ કંગાળ છે. તેની અસર તેના કેપ્ટનને ચુકવાતી રકમ જોઇને જ ખ્યાલ આવી શકે છે.


શ્રીલંકન ક્રિકેટર્સને વિશ્વના અન્ય ક્રિકેટર્સની તુલનામાં ખૂબ જ ઓછા પૈસા મળી રહ્યા છે. શ્રીલંકાના ટેસ્ટ કેપ્ટન દિમુથ કરુણારત્ને ને 51 લાખ રુપિયા મળી રહ્યા છે. જ્યારે વન ડે અને ટી20 ના કેપ્ટન કુસલ પરેરા (Kusal Perera) ને માત્ર 25 લાખ રુપિયા જ મળી રહ્યા છે.