આ માણસ અંતરિક્ષમાં રોકેટ મોકલવાની તાકાત ધરાવે છે, આ માણસ વિશ્વની ફાસ્ટેસ્ટ ઇલેક્ટ્રિક કાર બનાવી શકે છે! આ માણસ મોટાં શહેરોમાં જમીન નીચે સુરંગ બિછાવી રહ્યો છે, આ માણસ ઈન્સાનના દિમાગને મશીન સાથે જાેડી રહ્યો છે! આ માણસ મોટાં મોટાં સપનાં જૂએ છે અને પછી તેને પૂરાં કરવાની કોબેલિયત ધરાવે છે! ભલે, પોતાની હરકતોને કારણે ઘણી વખત ટીકા-ટીપ્પણીઓનો શિકાર પણ બને છે, છતાં તેને આજની દુનિયાનો અસલી આયર્નમેન કહેવામાં આવે છે. આ માણસનું નામ છે ઈલોન મસ્ક. હવે તે દુનિયાનો સૌથી અમીર માણસ બની ગયો છે.


ઈલોનના પપ્પા-મમ્મીના ડિવોર્સ થઈ ગયાં હતાં!


૨૮ જુલાઇ, ૧૯૭૧ના રોજ સાઉથ આફ્રિકાના પ્રિટોરિયા શહેરમાં ઈલોન મસ્કનો જન્મ થયો હતો. તેની મમ્મી મે મસ્ક એક મોડેલ હતી, પપ્પા ઈરોલ મસ્ક એન્જિનિયર હતા.

ઈલોન નાનપણથી જ અલગ ટાઇપનો હતો. પોતાનામાં ખોવાયેલો રહેતો હતો. ઈલોનનું કહેવું છે કે, તેનો એ ટાઇમ સૌથી બેસ્ટ હતો. ખરાબ સમય ઈલોનની રાહ જાેતો હતો. મમ્મી-પપ્પાનો ડિવોર્સ થઈ ગયો! ઈલોને પપ્પા સાથે રહેવાનું નક્કી કર્યું હતું. પિતા સાથે ઈલોનનો અનુભવ ખુબ જ ખરાબ રહ્યો હતો. એ એક સારાં પિતા ન બની શક્યાં. ઈલોન પર ધ્યાન આપનારું કોઈ ન હતું!


સ્કૂલના છોકરાઓએ એટલો માર્યો કે, હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો

સ્કૂલમાં ઈલોનને બુલી કરવામાં આવતો હતો. તેની સાથે ભણતાં બાળકો ઈલોનને ખુબ પરેશાન કરતાં હતાં. એકવાર તો સ્કૂલના છોકરાઓએ ઈલોનને એટલો માર્યો કે, હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. નાનપણમાં આવી પરિસ્થિતિમાં ઈલોનને પુસ્તકોનો આશરો મળ્યો હતો. ઈલોનને પુસ્તકો વાંચવાનો ચસ્કો ચડી ગયો હતો. ઈલોનની યાદશક્તિ પણ ગજબની હતી. જે વાંચતો હતો તે દિમાગમાં હંમેશા માટે પ્રિન્ટ થઈ જતું હતું.


પુસ્તકો વંચાઈ ગયાં તો એન્સાયક્લોપિડિયા ફેંદી નાખ્યાં

ગજબની વાત તો એ છે કે, તેની આસપાસના બધા પુસ્તકો વાંચી લીધાં પછી કંઈ વધ્યું નહીં તો એન્સાયક્લોપિડિયા ફેંદી નાખ્યાં હતાં. પુસ્તકોની સાથે ઈલોનનું ધ્યાન કમ્પ્યૂટર તરફ આકર્ષિત થયું હતું. માત્ર ૧૦ વર્ષની ઉંમરે ઈલોને કમ્પ્યૂટર કોડિંગ શીખી લીધું હતું. ઈલોન ૧૨ વર્ષનો થયો ત્યાં એક કમ્પ્યૂટર ગેમ પણ બનાવી લીધી હતી. આ ગેમનું નામ હતું બ્લાસ્ટર. ઈલોને આ ગેમ એક મેગેઝિનને વેચીને ૫૦૦ ડોલરની પહેલી કમાણી પણ કરી લીધી હતી.


ઈલોન આફ્રિકાથી અમેરિકા કેવી રીતે પહોંચ્યો?


ઈલોન મસ્ક ૧૭ વર્ષનો થયો ત્યારે આફ્રિકા છોડવાનું મન બનાવી લીધું હતું. એ જમાનામાં આફ્રિકામાં મિલિટરી સર્વિસ કમ્પલસરી હતી. મિલિટરી સર્વિસથી બચવા ઈલોન કેનેડા ચાલ્યો ગયો હતો. અહીં ક્વિન્સ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું હતું. જાેકે, ઈલોનની નજર અમેરિકા ભણી હતી. કેનેડા અમેરિકા પહોંચવાનો માત્ર રસ્તો હતો. ઈલોને ત્યાર પછી મોકો મળતાં અભ્યાસના બહાને યુનિવર્સિટી ઓફ પેન્સિન્વેનિયામાં એડમિશન કરાવી લીધું હતું. અહીંથી બહાર નીકળ્યો ત્યારે ઈલોન પાસે બે ડિગ્રી હતી, એક ફિઝિક્સ અને બીજી ઇકોનોમિક્સની. બંને ડિગ્રીના જાેરે પીએચડી કરવા ઈલોન સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પહોંચી ગયો હતો. જાેકે, મનમાં તો કંઈ ઔર જ સપનાંઓના ઘોડા દોડી રહ્યાં હતાં.


ઈલોનની પહેલી સૌથી મોટી કમાણી કેટલી હતી જાણો છો?

એ જમાનામાં ઇન્ટરનેટ વિશ્વમાં તેની જગ્યા બનાવી રહ્યું હતું. ઈલોને તેનાં નાના ભાઈ કિંબલ સાથે ઇન્ટરનેટની દુનિયામાં કદમ માંડી દીધાં હતાં. આ માટે ઈલોને તેનાં પિતા પાસેથી પૈસા લઈને ભાઈ સાથે Zip2 નામની સોફ્ટવેર કંપની બનાવી હતી. ઈલોનની આ કંપનીને કોમ્પેકે ખરીદી લીધી અને બંને ભાઈને ૨૨ મિલિયન ડોલર મળ્યાં હતાં. આજના હિસાબે ૧૬૧ કરોડ રૂપિયા! 


વર્ષ ૨૦૦૨માં ઈલોન ૧૨૦૦ કરોડ કમાયો હતો! જાણો કેવી રીતે?

૧૬૧ કરોડ રૂપિયાના જાેરે X.com નામની કંપની સ્થાપી. આ કંપની એ જમાનાની પહેલી વહેલી ઓનલાઇન બેકિંગ કંપનીઓમાંની એક હતી. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ આ જ કંપની આગળ ચાલીને Paypal નામની વિશ્વ વિખ્યાત કંપની બની છે. મસ્કે ૨૦૦૨માં આ કંપનીને eBayને વેચી નાખી હતી. જાણો છો કેટલાં રૂપિયા મળ્યાં? હાલના હિસાબે ૧૨૦૦ કરોડ રૂપિયા એ વખતે ઈલોન કમાયો હતો!

પૃથ્વી પરથી મંગળ પર ગ્રીનહાઉસ મોકલવાનો તઘલઘી વિચાર!



ઈલોન ઈચ્છત તો આટલાં રૂપિયામાં તેની સાત પેઢી જલસા કરત, પણ નહીં! ઈલોનને હજું ઘણાં સપનાં પૂરાં કરવાના હતાં. ઈલોનને ૨૦૦૧માં જ માર્સ ઓએસિસનો આઇડિયા આવ્યો હતો. આ આઇડિયા મુજબ, પૃથ્વી પરથી મંગળ ગ્રહ પર ગ્રીનહાઉસ મોકલવામાં આવે! ત્યાં પ્લાન્ટ્‌સ ઉગાડવામાં આવે! પણ અંતરિક્ષમાં જવા માટે રોકેટની જરૂરત હતી. ઈલોનને જાણવા મળ્યું હતું કે, રશિયાથી સસ્તામાં રોકેટનો જુગાડ થઈ શકે તેમ છે.


રોકેટ ખરીદવા રશિયા ગયેલાં ઈલોન સાથે શું થયું?

આ સિલસિલામાં ઈલોન રશિયા પહોંચી ગયો હતો. રશિયામાં રોકેટના ઠેકેદારોએ ઈલોનને નવો છોકરો ગણની અવગણના કરી હતી. ઈલોનના મગજમાં આ ધુનકી સવાર જ હતી. એક વર્ષ પછી રોકેટ માટે ફરી ઈલોન રશિયા પહોંચ્યો હતો. આ વખતે તે ઇન્ટર કોન્ટિનેન્ટ બેલેસ્ટિક મિસાઇલ ખરીદવા માગતો હતો. ઠેકેદારો સાથે ફરી મીટિંગ કરી, પણ ઠેકેદારોએ મિસાઇલની કિંમત ૫૮ કરોડ રૂપિયા કહી હતી. ઈલોનને આ કિંમત ખુબ જ વધારે લાગી હતી. ઈલોને વિચાર્યું કે, આટલાં રૂપિયામાં તો તે જાતે રોકેટ ન બનાવી લે? બસ સમજાે કે, અહીંથી શરૂ થયેલી ઈલોનની યાત્રા આજે તેની કંપનીઓ બયાં કરી રહી છે.


ઈલોનની અમીર આદમી બનવાની સફર ક્યાંથી શરૂ થઈ!?

ઈલોન મસ્ક એવું માને છે કે, એક ગ્રહ પર રહેવું જાેખમ છે. બની શકે કે આવતીકાલે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો? ચાલો, વિશ્વયુદ્ધ ન થાય, પણ બની શકે અંતરિક્ષમાં રખડતો રખડતો એકાદ એસ્ટરોઇડ આવીને પૃથ્વી સાથે ટકરાઈ જાય તો? આ પહેલાં પૃથ્વી પરથી ડાયનોસોરનું અસ્તિત્વ મિટાવી દીધું હતું. આ વખતે મનુષ્યો સાથે આવું બને તો શું કરવું? એટલે ઈલોન મસ્ક એવું માને છે કે, આપણી સંસ્કૃતિ અને સભ્યતાને જવંત રાખવા માટે મનુષ્યએ પૃથ્વી ઉપરાંત બીજા એક ગ્રહ પર ઠેકાણું બનાવવું જાેઈએ!

૨૦૦૨માં ઈલોને સ્પેસ એક્સપ્લોરેશન ટેક્‌નોલોજિસ નામની એક કંપની બનાવી હતી. પછીથી આ જ કંપની સ્પેસએક્સના નામે પોપ્યુલર બની હતી.


સ્પેસએક્સનો હેતુ શું હતો?


સ્પેસએક્સનો હેતુ છે મંગળ ગ્રહ પર પણ મનુષ્યોની એક વસતિ હોય. આ કંપની ઈચ્છએ છે કે, પૃથ્વીથી અંતરિક્ષમાં થનારી યાત્રા બધાને પરવડે તેવી સસ્તી હોય! આજનો મનુષ્ય માત્ર પૃથ્વી પર રહેનારો નહીં પણ મલ્ટિપ્લેનેટરી સ્પીશિઝ, યાની અનેક ગ્રહો પર રહેનારી પ્રજાતિ બને! 


ઈલોનની જિંદગીના ત્રણ મોટાં ફેલ્યોર ક્યાં હતાં?

સ્પેસએક્સની શરૂઆત તો થઈ ગઈ, પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ ૨૦૦૬માં કંપનીનું પહેલું રોકેટ લોન્ચ થતાંની માત્ર ૩૩ સેકન્ડમાં ફેલ થઈ ગયું હતું! એ પછી ૨૦૦૭ અને ૨૦૦૮માં પણ બીજું અને ત્રીજું રોકેટ લોન્ચ થતાં જ ફેલ થઈ ગયું હતું! ત્રીજા ફેલ્યોર પછી કંપની બંધ થવાની કગાર પર આવી ગઈ હતી.

હવે ઈલોન પાસે એટલાં જ રૂપિયા બચ્યાં હતાં, જેનાંથી વધુમાં વધુ એક રોકેટ લોન્ચ કરી શકાય!


- અને પછી મળી સૌથી મોટી સફળતા!

જાેકે, પાછળ હટી જાય તો એ ઈલોન મસ્ક કેવી રીતે કહેવાય! ૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ ચોથું ફેલ્કન-૧ રોકેટ લોન્ચ કરાયું! આ વખતે બધું બરાબર રહ્યું.

જાેતે, ઈલોન મસ્કનું કહેવું છે કે, ૨૦૦૮નું વર્ષ તેનાં માટે જિંદગીનું સૌથી મુશ્કેલ વર્ષ રહ્યું હતું. ચોથી ટ્રાય પછી મહામુશ્કેલીએ રોકેટ લોન્ચ થયું, ઓર્બિટમાં પહોંચ્યું પણ ખરું. તેની કાર કંપની ટેસ્લા લાગાતાર ખોટ કરી રહી હતી.


૨૦૦૮માં કંગાળ થવાની તૈયારીમાં હતો, કોણે બચાવ્યો?

ઈલોન મસ્કને પહેલેથી જ ઇલેક્ટ્રિક કારમાં ભવિષ્ય દેખાઈ રહ્યું હતું. વર્ષ ૨૦૦૩માં ટેસ્લા મોટર્સ નામની એક કંપની શરૂ થઈ હતી. એકચ્યૂઅલી આ કંપની ઈલોને શરૂ નોહતી કરી, પણ ૨૦૦૪માં કંપનીને સૌથી વધુ ફંડ આપ્યું હતું. પરિણામે ઈલોન કંપનીમાં જાેઈન થઈ ગયો હતો. ૨૦૦૬માં ટેસ્લાએ રોડસ્ટર નામની પોતાની પહેલી કાર બનાવી હતી. આ કાર બનાવવામાં ઈલોનની મહત્ત્વની ભૂમિકા હતી.


કેવી રીતે બન્યો ટેસ્લાનો ચેરમેન?

પહેલી કાર માર્કેટમાં આવી ત્યાં સુધીમાં ઈલોન ટેસ્લાનો ચેરમેન બની ગયો હતો. ૨૦૦૭ આવતાં સુધીમાં ટેસ્લા બેંક્રપ્ટ બની ગઈ હતી. ઈલોને ફરી પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને ટેસ્લાને બચાવી અને ટેસ્લાના સીઇઓ બની ગયો હતો. એ પછીના વર્ષોમાં ટેસ્લાએ ઇલેક્ટ્રિક કારના જબરદસ્ત મોડેલ બનાવીને લોકોનો ભરોસો જીતી લીધો હતો.


ઈલોન વિશ્વને રિન્યૂએબલ એનર્જી તરફ લઈ જવા માગે છે


ઈલોન વિશ્વની ઊર્જાની સમસ્યાનો ઉકેલ લાવવા માગે છે. તેની કાર ઇંધણથી નથી ચાલતી, પણ તેમાં વપરાતી ઇલેક્ટ્રિસિટી ફોસિલ ફ્યૂલનો ઉપયોગ કરે છે. ફોસિલ ફ્યૂલના ભંડારો એકના એક દિવસે તો પૃથ્વી પરથી ખતમ થવાના જ છે. આવાંમાં આપણી ઊર્જાની સમસ્યાનો ઉકેલ શું? એટલાં માટે જ ઈલોન વિશ્વને રિન્યૂએબલ એનર્જી તરફ લઈ જવા માગે છે.


ઈલોનનની કંપની સોલાર સિટી શું છે?

સ્પેસ અને ઓટોમોબાઇલ પછી ઈલોનને આવી એનર્જી કંપનીનો આઇડિયા આવ્યો હતો. સોલાર સિટી. આ એક સોલાર એનર્જી કંપની છે, જેની શરૂઆત ૨૦૦૬માં થઈ હતી. ઈલોને આ કંપની તેનાં કઝિન્સ પીટર અને લંડનને શરૂ કરવાનું કહ્યું હતું. આ કંપની માટે ફંડ ઈલોન મસ્કે આપ્યું હતું. વર્ષ ૨૦૧૩માં સોલાર સિટી અમેરિકામાં ઘરેલું સોલાર પેનલ લગાવનારી સૌથી મોટી કંપની બની ગઈ હતી. ૨૦૧૬માં ટેસ્લાએ સોલાર સિટી કંપનીને ખરીદી લીધી અને પછી બંનેની સફળતાની ગાથા સાથે શરૂ થઈ હતી.


ડૂબ્યાં પછી ઈલોન મસ્કે કેવી રીતે ફરી ઉડાન ભરી?

ફરી એક વખત ૨૦૦૮માં જઈએ. સ્પેસએક્સ, ટેસ્લા અને સોલારસિટી આ ત્રણ જંબો કંપની સાથે ઈલોન ઓલમોસ્ટ ડૂબવાની કગાર પર હતો. ચોથા રોકેટના લોન્ચ પછી ડિસેમ્બર, ૨૦૦૮માં સ્પેસએક્સને નાસા તરફથી ૧.૫ બિલિયન ડોલર્સનો કોન્ટ્રેક્ટ મળ્યો હતો. નાસાએ સ્પેસએક્સને ઇન્ટરનેશન સ્પેસ સ્ટેશન પર પોતાનો સામાન મોકલવાનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો. આ કોન્ટ્રેક્ટને કારણે ઈલોનમાં ફરી હિંમત આવી હતી. ધીમે ધીમે ટેસ્લાની સ્થિતિ પણ સુધરવા લાગી હતી. ટેસ્લામાં મોટાં મોટાં ઇન્વેસ્ટરો આવ્યાં હતાં. કંપનીને અમેરિકાની સરકારે લોન પણ આપી હતી. ૨૦૧૦માં ટેસ્લા આઇપીઓ લઈને પણ આવી હતી. આઇપીઓથી મળેલાં પૈસામાંથી ટેસ્લાએ એસ મોડેલનું પ્રોડક્શન શરૂ કર્યું હતું. ૨૦૧૨માં એસ મોડેલ માર્કેટમાં આવ્યું, એ પછી ૨૦૧૩માં કંપનીએ વ્યાજ સાથે અમેરિકાની સરકારને લોન પરત કરી હતી. એ પછી ટેસ્લાએ બીજા અનેક લક્ઝરી વાહનો બનાવ્યાં હતાં અને આજે ઓટોમોબાઇલ સેક્ટરમાં સૌથી મોટી કંપની બનીને ઉભરી આવી છે. ૨૦૧૨માં સ્પેસએક્સ અંતરિક્ષમાં જનારી વિશ્વની પહેલી પ્રાઇવેટ કંપની બની હતી. એ પછી કંપનીએ અનેક રેકર્ડ બનાવ્યાં છે.


સ્પેસએક્સનો સૌથી મોટો રેકર્ડ ક્યો છે, જાણો છો?

ડિસેમ્બર, ૨૦૧૫માં સ્પેસએક્સે હિસ્ટ્રી રચી હતી. ઓર્બિટમાં લોન્ચ કરેલાં રોકેટનું જમીન પર ફરી લેન્ડ કરાવવામાં સફળતા મેળવી હતી. આ સ્પેસએક્સનું ફાલ્કન-૯ રોકેટ હતું. ૨૦૧૬માં આ રોકેટને લોન્ચ કર્યાં પછી એટલાન્ટિક મહાસાગરમાં તૈનાત એક જહાજ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. સ્પેસએક્સએ રિયૂઝેબલ રોકેટ દ્વારા નવાં રેકર્ડ બનાવ્યાં હતાં. જે રોકેટ લોન્ચ પછી કોઈ કામનું નોહતું રહેતું હવે તેને બીજી વખત લોન્ચ કરી શકાય છે. મે, ૨૦૨૦માં સ્પેસએક્સ નાસાના બે એસ્ટોનોટ્‌સને લઈને સ્પેસમાં ગયું હતું. આ સાથે એસ્ટ્રોનોટ્‌સ સ્પેસમાં મોકલવાના કામમાં પણ નાસાનો ભરોસો હાંસલ કરી લીધો હતો.


અલબત્ત, આટલેથી ઈલોન મસ્ક અટક્યો નથી. બીજી કઈ કઈ કંપનીની સ્થાપી છે ઈલોન મસ્કે, આઓ જાેઈએ..


સ્પેસએક્સનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્ટારલિંક ક્યા હેતુથી સ્થપાઈ?


સ્પેસએક્સનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે સ્ટારલિંક. સ્ટારલિંક દ્વારા ઈલોન દુનિયાના દરેક ખુણામાં ઇન્ટરનેટની પહોંચ બનાવવા માગે છે. ઈલોન તેની કંપની સેટેલાઇટ દ્વારા વધુ કવરેજ ધરાવતું ફાસ્ટેસ્ટ ઇન્ટરનેટ લોન્ચ કરવા માગે છે. આ માટે હજારો સેટેલાઇટને લોન્ચ કરવામાં આવી રહ્યાં છે. સ્ટારલિંક આખી દુનિયામાં ખૂણે ખૂણે ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવશે. અત્યાર સુધીમાં ૯૫૫થી વધુ સેટેલાઇટ લોન્ચ થઈ ચૂક્યાં છે.


હાઇપરલૂપ વિશ્વને ક્યાં લઈ જવા માગે છે?

૨૦૧૨માં ઈલોન મસ્કે પહેલી વખત હાઇપરલૂપની વાત છેડી હતી. આ એક પેસેન્જર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે. આ સિસ્ટમ સ્પેસએક્સ અને ટેસ્લાએ સાથે મળીને બનાવી છે. વેક્યૂમ જેવી ટ્યૂબની અંદર પ્રેશરાઇઝ્‌ડ પોડ્‌સ દોડાવવામાં આવશે. આ માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સનો ઉપયોગ કરવામાં આવશે. ભવિષ્યની આ એક હાઇસ્પીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હશે.


ઈલોનની બોરિંગ કંપની વિશ્વના શહેરોમાં સુરંગો કેમ ખોદે છે?

આ કંપની ટ્રાફિકની સમસ્યાનો નિવેડો લાવવા બનાવવામાં આવી છે. સડકો પર વાહનો વધી રહ્યાં છે અને જગ્યા ઓછી પડે છે. પરિણામે ઈલોન જમીનની નીચે ટનલ બનાવી ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવા માગે છે. ઈલોનની બોરિંગ કંપની વિવિધ શહેરોમાં જમીન નીચે સુરંગ ટનલ બનાવશે. આ ટનલમાં વાહનો દોડશે! જેથી જમીન ઉપરનો ટ્રાન્સપોર્ટ હળવો કરી શકાશે. 


ઈલોનની એઆઇ કંપની શું કરવા માગે છે?

એઆઇ - મતલબ કે, આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ ટેક્‌નોલોજી દુનિયાભરમાં પોતાનો કબજાે જમાવી રહી છે. એક બાજુ આ ટેક્‌નોલોજી મદદગાર છે, ત્યાં બીજી તરફ ખતરનાક સાબિત થવાની પણ એટલી જ સંભાવનાઓ રહેલી છે. અમુક લોકો માને છે કે, આ મશીનો આપણી પાસેથી શીખતાં શીખતાં વધારે પાવરફૂલ બની જશે અને આપણો ખાત્મો બોલાવી દેશે. ઈલોન મસ્કે ૨૦૧૫માં ઓપન એઆઇ નામની કંપની બનાવી છે. આ કંપની એઆઇ ટેક્‌નોલોજીના ક્ષેત્રમાં મનુષ્યોને લાભકારી સાબિત થાય તેવું રિસર્ચ કરી રહી છે.


ઈલોન છેક તમારાં દિમાગ સુધી પહોંચવા માગે છે!

આ ઉપરાંત ઈલોન તમારાં દિમાગ સુધી પણ પહોંચવા માગે છે! તેણે કંપની સ્થાપી છે ન્યૂરોલિંક. ઈલોન તમારાં દિમાગને મશીન સાથે જાેડવા માગે છે. હાલ આપણે હાથ અથવા આપણાં વોઇસથી મસીનને કંટ્રોલ કરી શકીએ છીએ. ઈલોન માને છે કે, મશીન સાથે સંવાદ કરવાની આ એકદમ ધીમી પદ્ધતિ છે. આપણે સીધાં આપણાં દિમાગથી મશીનને કંટ્રોલ કેમ ન કરી શકીએ? આ માટે ઈલોનની કંપની ન્યૂરોલિંક બ્રેઇન-મશીન ઇન્ટરફેસ તૈયાર કરી રહી છે.મતલબ કે, એવી ટેક્‌નોલોજી જેમાં એક ચીપ તમારાં માથા પર લગાવવામાં આવ્યાં બાદ તમારું મગજ સીધું કમ્પ્યૂટર, મોબાઇલ અથવા અન્ય મશીનરી સાથે સીધું જાેડાઈ શકે!


ઈલોનના વિવાદો પણ નાના નથી! જાેઈ લો કેટલાં મોટા છે?


અલબત્ત, એવું નથી કે, ઈલોન વિવાદોથી દૂર રહી શક્યો છે! વિવાદો હંમેસા ઈલોનની આજુબાજુ ઘેરાયેલાં રહે છે! ૨૦૧૮માં ઈલોન મસ્કે એક ટ્‌વીટમાં ટેસ્લાને પ્રાઇવેટ કરવાની વાત લખી હતી. એ પછી ટેસ્લાના શેરોમાં ઊથલપાથલ મચી ગઈ હતી. એ પછી અમેરિકાના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને ઈલોન પર કેસ ચલાવી દીધો હતો. શેરધારકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો હતો. આ માટે ઈલોને મોટો દંડ ચૂકવવો પડ્યો હતો. અને ૩ વર્ષ સુધી ટેસ્લાના સીઇઓ પદ પરથી હટાવી દેવાયો હતો. ૨૦૨૦માં કોરોના વાઇરસ આવ્યો ત્યારે પણ ઈલોન વિવાદોમાં ઘેરાયો હતો. ઈલોને આ મહામારીને ગંભીરતાથી લીધી ન હતી. પોતાના પરિવારને વેક્સિન નહીં લગાવવાના નિવેદનથી લઈને લોકડાઉનમાં કંપનીને ખોલવાની વાતો કહી વિવાદોમાં ઘેરાયો હતો.

અને એટલાં માટે જ ઈલોન મસ્કે ઘણાં યંગસ્ટર્સ માટે ઇન્સ્પિરેશન છે, ઘણાં તેને પૃથ્વી પરનો અસલી આયર્નમેન માને છે. ઘણાં લોકો તો તેને સુપરહ્યુમન તરીકે ઓળખાવે છે, તો બીજા અમૂક લોકો તેને મનુષ્ય નહીં, પણ એલિયન કહે છે. જે કંઈ પણ હોય બંદામાં દમ છે, બંદો બિન્ધાસ્ત છે.


લેખક: દીપક આશર