વડોદરા-

પાવી જેતપુર અને કવાંટ પંથકના જંગલોમાં અંદાજે ૯૦ હજાર જેટલા ચારોળાના વૃક્ષો છે. ચારોળાએ લગભગ ચણી બોરના કદનું ખટમીઠું સ્વાદિષ્ટ ફળ છે અને એના ઠળિયાને ભાંગતા જે બીજ મળે એ ચારોળી જે કાજુ અને બદામના ભાવે વેચાતો કિંમતી સૂકોમેવો છે. આ સૂકામેવા દ્વારા એક હજારથી વધુ આદિવાસી પરિવારો રોજગારી મેળવી રહ્યા છે. હાલમાં ચારોળાના ઝાડો પર ફૂલ બેઠાં છે એટલે કે તેની ફ્લાવરિંગ સિઝન છે, તેવી જાણકારી આપતાં છોટાઉદેપુર વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન રાઠવાએ જણાવ્યું હતું કે, અમારા વન વિસ્તારના ખાસ કરીને છોટાઉદેપુર, પાવી જેતપુર અને કવાંટ તાલુકાઓમાં અંદાજે ૯૦ હજાર જેટલા ચારોળાના વૃક્ષો હોવાનું અનુમાન છે. 

આનંદની વાત છે કે ગુજરાતમાં માત્ર છોટાઉદેપુર જિલ્લાના વન વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં આ વૃક્ષો છે. રતન મહાલ અભ્યારણ્યમાં તેના છૂટાછવાયા વૃક્ષો છે પણ અહીં છે એટલા વૃક્ષો ત્યાં નથી. ચારોળાના વૃક્ષનું ફળ એ ચારોળા અને એનો ઠળિયો ભાંગતા જે બીજ મળે તેને ચારોળી કહેવામાં આવે છે. એનું વૈજ્ઞાનિક નામ બુકનાનીયા લંઝન છે અને ચારોળીનો મુખ્યત્વે ઉપયોગ મીઠાઈઓને સજાવવા માટેના સૂકા મેવા તરીકે થાય છે. આ ઉપરાંત આયુર્વેદિક અને યૂનાની દવાઓમાં તે વપરાય છે. આમ, આ કિંમતી જંગલી મેવો છે. વન વિભાગના એક પ્રકાશન પ્રમાણે સન ૨૦૨૦-૨૧માં સહભાગી વન મંડળીઓ દ્વારા અંદાજે ૩૭૯૦ કિલો ચારોળા ફળ એકત્ર કરીને તેમાંથી મળેલી ચારોળીનું વન વિકાસ નિગમને વેચાણ કરવામાં આવ્યું હતું. ઠળિયાનું એકત્રીકરણ અને બીજ કાઢવાની પ્રક્રિયા કડાકૂટવાળી અને જહેમત માંગી લેનારી છે.