દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉત્તરપ્રદેશના 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના'ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, આજે તમારી સાથે વાત કરીને ખૂબ જ સંતોષ થઈ રહ્યો છે. સંતોષ એ વાતનો છે કે, દિલ્હીથી અન્નનો એક-એક કણ મોકલવામાં આવી રહ્યો છે. તે દરેક લાભાર્થીઓની થાળી સુધી પહોંચી રહ્યો છે. વડાપ્રધાને કહ્યું હતું કે, સંતોષ એ વાતનો છે કે, પહેલાની સરકારનો સમયે ઉત્તરપ્રદેશમાં ગરીબના અનાજની જે લૂંટ થતી હતી. તેનો રસ્તો હવે બંધ થયો છે. ઉત્તરપ્રદેશમાં જે રીતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લાગુ કરવામાં આવી રહી છે. તે નવા ઉત્તરપ્રદેશની ઓળખને વધુ મજબૂત કરે છે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આજની 5 ઓગસ્ટની તારીખ ખૂબ જ વિશેષ બની ગઈ છે. 5 ઓગસ્ટ જ છે. જ્યારે 2 વર્ષ પહેલા દેશના એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ સશક્ત કરવામાં આવી હતી. 5 ઓગસ્ટે જ આર્ટિકલ- 370 હટાવીને જમ્મુ-કાશ્મીરના દરેક નાગરિકને દરેક અધિકાર, દરેક સુવિધાનો સંપૂર્ણ ભાગીદાર બનાવવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના'ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે, 5 ઓગસ્ટનો દિવસ કરોડો રામભક્તોના સંકલ્પની સત્યતાનું પ્રમાણ છે. રામ મંદિરના નિર્માણની આ પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાનો ઉપક્રમ છે. આ વર્ચ્યૂઅલ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.