ગાંધીનગર-

શિક્ષકોનો ૨૮૦૦નો ગ્રેડ-પે સ્થિગત કરવામાં આવ્યા બાદ રાજ્યના વિવિધ વિભાગોના ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા ડિજિટલ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પોલીસ વિભાગ દ્વારા પણ ગ્રેડ-પેને વધારવામાં આવે તેવી માગ સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ આજે જણાવ્યું છેકે, પોલીસની નોકરી ગૌરવપ્રદ છે, પોલીસ વિભાગ પર ડાઘ લાગે તે ચલાવી લેવાશે નહીં. પોલીસની નોકરી એક સેવા છે અને પગારની ચિંતા કરનારાએ પોલીસની નોકરી પસંદ ન કરવી જાેઇએ.

તેમણે વધુમાં જણાવ્યું છેકે, પોલીસની નોકરી અન્ય સરકારી નોકરી કરતા અલગ છે. કેટલાક લોકો ભોળા પોલીસકર્મીઓને ગેરમાર્ગે દોરે છે. સોશિયલ મીડિયામાં ગ્રેડ-પે અંગે ઉશ્કેરણીજનક પોસ્ટ કરવામાં આવે છે. આવી તમામ પ્રવૃત્તિ અને તેમાં સામેલ તમામ લોકો ઉપર, ખૂબ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. જે લોકો આમાં સામેલ હશે તે તમામ વિરૂધ્ધ કાયદાકિય રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે .જાે આવી પ્રવૃત્તિમાં કોઇ પોલીસ કર્મચારી ભાગ લેશે અથવા તેને પરોક્ષ રીતે સર્મથન આપશે અથવા સોશિયલ મિડિયા ઉપર આવા ભડકાઉ મેસેજ ફેલાવશે તો તેવા કર્મચારીઓ સામે પણ ખાતાકીય અને કાયદાકીય પગલાં લેવામાં આવશે. આવી કોઈ બાબત ધ્યાને આવે તો સંબંધીત કર્મચારી વિરુધ્ધ શિસ્તવિષયક કાર્યવાહી કરવા તમામને સૂચના આપવામાં આવી છે .

આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવા અંગેનો એક ગુનો ગાંધીનગર જીલ્લાના સેક્ટર -૭ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. લોક રક્ષક દળ પોલીસ ભરતીના ઉમેદવારોને ઉશ્કેરવાના અંગેનો આ ગુનો ત્રણ આરોપીઓ વિરુધ્ધ નોંધાયો છે.આ આરોપીઓના નામ કમલેશ સોલંકી, ભોજાભાઇ ભરવાડ અને હસમુખ સકસેના છે.