હાલોલ, તા.૧૬

યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના ધામે ચૈત્રી સુદ પૂનમના પાવન દિવસને લઇને મહાકાલી મંદિર ટ્રસ્ટ દ્વારા શનિવારે વહેલી સવારે ૪ઃ૦૦ કલાકે મહાકાળી માતાજીના મંદિરના નિજ દ્વાર ભક્તજનો માટે ખોલી દેવામાં આવ્યા હતા જેમાં શનિવારના રોજ ચૈત્રી સુદ પૂનમ, હનુમાન જયંતી અને શનિવારનો અનોખો ત્રિવેણી સંગમનો યોગ સર્જાતા શનિવારે માતાજીના મંદિરના નિજ દ્વાર વહેલી સવારે ૪ઃ૦૦ કલાકે ખુલતાની સાથે જ હજારોની સંખ્યામાં માઇ ભકતો માતાજીના દર્શને ઉમટી પડ્યા હતા જેમાં શનિવારે દિવસ દરમ્યાન એક લાખ ઉપરાંત માઇભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી જ્યારે ચૈત્રી નવરાત્રીની ચૈત્રી સુદ પૂનમ અને હનુમાન જયંતીને લઈને મહાકાલી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ દ્વારા વહેલી સવારે મહાકાળી માતાજીની આરતી કર્યા બાદ મંદિરના પૂજારી અને ભૂદેવો દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરી ચૈત્રી સુદ પૂનમ અને હનુમાન જયંતિની ધાર્મિક વાતાવરણમાં પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી જે બાદ વહેલી સવારે ૪ઃ૦૦ મંદિરનાં દ્વાર ભક્તજનો માટે ખોલી દેવાતા માતાજીના મંદિરે દર્શનાર્થે પાવાગઢ પાવાગઢની તળેટીથી લઈ ડુંગર પર માતાજીના મંદિર સુધી ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું જેમાં અંદાજે એક લાખ ઉપરાંત માઇભકતો માતાજીના દર્શન માટે ઉમટી પડતા મંદિર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણપણે તમામ પ્રકારની વ્યવસ્થા કરી તમામ માઈભક્તોને માતાજીના દર્શન આસાનીથી કરાવાયા હતા જ્યારે ચૈત્રી સુદ પૂનમ અને હનુમાન જયંતિને અનુલક્ષીને શનિવારે પાવાગઢ ખાતે ભકતોનો ભારે ધસારો રહેતા જિલ્લા પોલીસ તંત્ર અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા તળેટીથી ડુંગર પર માતાજીના મંદિર સુધી ઠેર ઠેર ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતોવ જેમાં સમગ્ર દિવસ દરમ્યાન યાત્રિકોની સલામતી અને સુરક્ષાને લઇને પોલીસ કર્મચારીઓએ ખડે પગે તૈનાત રહી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી હતી.