વડોદરા : કરજણની વલણ હોસ્પિટલમાં દાદીની સારવાર માટે રોકાયેલા વડોદરાના ઈજનેર હિન્દુ યુવકને હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી ભરુચ જિલ્લાની મુસ્લીમ યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. હોસ્પિટલની નોકરી છોડીને દુબઈ ગયેલી યુવતીએ પ્રેમસંબંધ યથાવત રાખ્યા હતા અને ગત ઓક્ટોબર માસમાં તે પ્રેમીયુવક સાથે લગ્નની અરજી કરવા માટે ખાસ દુબઈથી વડોદરા આવી હતી અને લગ્નની અરજી કરી તે દુબઈ રવાના થઈ હતી. જાેકે આ લગ્ન માટે અરજીની જાણ થતા જ યુવતીના પિતા અને અન્ય એક ઈસમે ઈજનેર યુવકને લગ્નની નોંધણી રદ કરવા માટે વારંવાર ફોન કરી તેને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપતા આખરે યુવકે રક્ષણ મેળવવા માટે મકરપુરા પોલીસ મથકમાં યુવતીના પિતા સહિત બે સામે ફરિયાદ નોંધાવી હતી.  

તરસાલી વિસ્તારમાં રહેતો ૨૫ વર્ષીય ધર્મેશ પંચાલ સાંકરદાની ખાનગી કંપનીમાં ડિઝાઈનર અન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. વર્ષ-૨૦૧૬માં તેની દાદીને કરજણની વલણ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે દાખલ કરાતા તે તેમની દેખરેખ માટે ત્યાં રોકાયો હતો. આ દરમિયાન તેને હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી ભરુચ જિલ્લાના એક ગામની રેશ્મા (નામ બદલ્યુ છે)નામની યુવતી સાથે પરિચય બાદ પ્રેમસંબંધ બંધાયા હતા.

ધર્મેશ અને રેશ્મા અવારનવાર મળતા અને ફોન પર સતત સંપર્કમાં રહેતા હતા. ગત ૨૦૨૦માં રેશ્મા દુબઈ ગઈ હતી અને ત્યાં આસીસ્ટન્ટ ટીચર તરીકે નોકરીએ જાેડાઈ હતી પરંતું તેમ છતાં તે ધર્મેશને ભુલી નહોંતી. તેઓના પ્રેમસંબંધો યથાવત રહેતા તેઓ ફોન અને સોશ્યલ મિડિયાના મારફતથી સંપર્કમાં રહેતા હોઈ બંનેએ અલગ અલગ ધર્મના હોવા છતાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. નક્કી કર્યા મુજબ રેશ્મા ગત ૩જી ઓક્ટોબરે દુબઈથી તેના ઘરે આવી હતી અને ૬ઠ્ઠી ઓક્ટોબરે ધર્મેશ અને રેશ્માએ વડોદરાના કુબેરભુવન ખાતે લગ્ન કરવા માટે અરજી કરી હતી અને ચારેક દિવસ બાદ રેશ્મા પાછી દુબઈ રવાના થઈ હતી.

જાેકે પોતાની પુત્રીએ વિધર્મી યુવક સાથે લગ્ન કરવા માટે અરજી આપી હોવાની રેશ્માના પિતાને જાણ થતાં તે ચોંકી ઉઠ્યા હતા અને તેમણે ગત ૧૫મી ઓક્ટોબરની રાત્રે ધર્મેશને ફોન કરી પુછ્યુ હતું કે તારે લગ્ન કરવા છે ? કાલે લગ્નની નોંધણી રદ કરાવી દેજે નહીતર તને અને તારા ઘરના સભ્યોને મારી નાખીશ. ધર્મેશે અમે બંનેએ અમારી મરજીથી લગ્ન માટે અરજી આપી છે માટે તે રદ નહી કરાવું તેમ કહેતા રેશ્માના પિતાએ અપશબ્દો બોલી વારંવાર ફોન કર્યા હતા અને આ બાબતે રેશ્માને જાણ નહી કરવા માટે ધમકી આપી હતી. ધમકીથી ગભરાઇ ગયેલા ધર્મેશે આયેશા સાથે લગ્નની અરજી ૧૬મી ઓક્ટોબરે રદ કરી હતી. જાેકે ત્યારબાદ પણ રેશ્માના પિતાએ ધમકી આપી હતી કે આજ પછી રેશ્માને ફોન કરીશ તો તને અને રેશ્માના જાનથી મારી નાખીશ. ધર્મેશે તે જ દિવસે રેશ્માને ફોન કરી જણાવ્યું હતું કે તારા પિતા મને અને મારા પરિવારને મારી નાખવાની ધમકી આપતા હોઈ મે લગ્નની અરજી રદ કરાવી છે. આ વાત સાંભળીને રેશ્માએ ફોન કટ કર્યો હતો અને તે ૨૨મી ઓક્ટોબરે દુબઈના તેના ઘરે આવી હતી અને ધર્મેશ સાથે ફોન પર વાત કરી હતી.

રેશ્મા સાથે ફોન પર વાત કર્યાની જાણ થતાં તેના પિતાએ ધર્મેશને ફોન પર ધમકી આપી હતી કે તું હજી મારી પુત્રી સાથે વાતો કરે છે.. ફરી વાત કરીશ તો તું જીવતો નહી રહે. આ ધમકી બાદ રેશ્માએ ફોન કરીને જાણ કરી હતી કે મારા પપ્પાએ મને માર માર્યો છે અને મારો નંબર બદલી નાખ્યો છે અને મને દુબઈ મોકલવાની ના પાડી છે જેથી હવે આપણે વાતચિત કરવાનું ઓછુ કરી દઈએ. જાેકે ત્યારબાદ ગત ૩જી જાન્યુઆરીએ રેશ્માએ વોટ્‌સએપ પર મેસેજ મોકલ્યો હતો કે તું આવીને મને લઈ જા. આ મેસેજના કલાક બાદ આબીદ નામના રહીશે રેશ્માના ફોન પરથી ધર્મેશને અપશબ્દો બોલી ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી હતી. જાેકે લગ્નની અરજી રદ કરવા છતાં ધર્મેશને ગઈ કાલે પણ રેશ્માના પિતાએ ફોન પર અપશબ્દો બોલી તેને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપતા આખરે ધર્મેશે આ બનાવની રેશ્માના પિતા અને તેના સાગરીત આબીદ વિરુધ્ધ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે રેશ્માના પિતા અને આબિદ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.