હિંમતનગર, તા.૧૧ 

અરવલ્લી જિલ્લામાં રવિવારની રાત્રિ દરમિયાન અને વહેલી સવારે સર્વત્ર વરસાદી માહોલ છવાયો હતો. ધનસુરામાં સવા ત્રણ ઇંચ વરસાદ તૂટી પડયો હતો.સાબરકાંઠા જિલ્લામાં ચાર-પાંચ દિવસથી વરસી રહેલ વરસાદને પગલે ખરીફ વાવેતરને ફાયદો થયો છે. જિલ્લામાં સરેરાશ બે ઇંચ વરસાદ વરસ્યો હતો સૌથી વધુ પ્રાંતિજમાં સાડા ત્રણ, તલોદ, હિંમતનગરમાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પોશીનામાં અઢી વિજયનગરમાં દોઢ અને ઇડરમાં પોણો, ખેડબ્રહ્મામાં ૧ અને ,વડાલીમાં ૧.૨૫ ઈંચ વરસાદ પડ્યો હતો. મોસમનો સરેરાશ ૪૫.૬૨ ટકા વરસાદ નોંધાયો હતો. ખેતીવાડી અધિકારી વી.કે. પટેલે જણાવ્યું કે આ સમયે વરસાદ થતાં પાકનો વિકાસ સારો થશે. એકંદરે સમયસર વરસાદ થઈ ગયો છે. નિંદામણનો સમય મળી જતાં રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું રહેશે. સાબરકં જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું ૬૫ હજાર હેક્ટરમાં અને કપાસનું ૩૩ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે જે કપાસના વાવેતરમાં મોટો ઘટાડો સૂચવે છે. ઊંઝામાં અઢી ઇંચ, વડનગર અને મહેસાણામાં પોણા બે ઇંચસમી અને રાધનપુરમાં પોણા ઇંચ, હારિજ અને ચાણસ્મામાં દોઢ ઇંચ, સાંતલપુરમાં અડધો ઇંચ અને શંખેશ્વરમાં ૫ મીમી.અને દાંતામાં સવા ત્રણ ઇંચ, દાંતીવાડામાં ૩ ઇંચ, પાલનપુરમાં સવા બે ઇંચ, અમીરગઢમાં બે ઇંચ,વરસાદ નોંધાયો છે. મહેસાણા હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને કચ્છ નજીક બનેલી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ અને બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે ઉત્તર ગુજરાતમાં મંગળવારે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ૧૪ ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતને સારો વરસાદ મળવાની પ્રબળ શક્યતા છે.