ગાંધીનગર-

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ કોરોનાની મહામારી દરમિયાન માસ્ક ન પહેરવા તથા જાહેરમાં થુકવા બાબતે પોલીસે અત્યારસુધીમાં અંદાજે સાડા ત્રણ લાખ લોકોને ૨૨ કરોડનો દંડ ફટકાર્યો હતો. તે સિવાય આ વખતે કોઈને પણ ૩૧ ફર્સ્ટની ઉજવણી માટે મંજુરી આપવામાં આવી નથી. જેને કારણે પોલીસ આ દિવસે સવારથી જ એક્શનમાં રહેશે અને પાર્ટી પ્લોટ તથા ક્લબોમાં સતત ચેકિંગ કરશે. કોરોનાની મહામારીને કારણે લોકોને માસ્ક પહેરવા અને જાહેરમાં ન છુકવા માટે અવારનવાર પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવે છે. તેમ છતા કેટલાય લોકો જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરિવહન વખતે માસ્ક પહેરતા નથી. જેને પગલે પોલીસે અત્યારસુધીમાં કુલ ૩,૪૯,૯૬૧ વ્યક્તિઓને કુલ રૂ.૨૨,૦૧,૧૫,૩૦૦ નો દંડ ફટકાર્યો હતો. ૨૨ ડિસેમ્બરના રોજ એક જ દિવસે પોલીસે ૩,૯૭૯ લોકો પાસેથી રૂ.૩૯,૭૯,૦૦૦ નો દંડ વસુલ્યો હતો.

દરમિયાન કોરોનાની મહામારીને પગલે પોલીસ દ્વારા આ વખતે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે માર્ટી પ્લોટ કે ક્લબોમાં પાર્ટી માટેની મંજુરી આપી નથી. પોલીસે ૩૧ ડિસેમ્બરના રોજ કરફ્યુનો કડક અમલ કરાવવામાં આવશે તથા સવારથી જ પોલીસ એક્શનમાં રહેશે, એમ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું. તે સિવાય થર્ટી ફર્સ્ટના રોજ દિવસે પણ પાર્ટી યોજી નહી શકાય. પોલીસ આ દિવસે ખાસ ચેકીંગ હાથ ધરશે. કોઈને પણ પાર્ટી માટે પરમિશન આપવામાં આવી ન હોવાથી પાર્ટી પ્લોટ. ક્લબો અને હોટેલોમાં પોલીસનું ખાસ ચેકીંગ રહેશે. ખ્રિસ્તી ભાઈઓને ક્રિસમસની ઉજવણી દરમિયાન માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.

શહેરમાં કોરોના નિયંત્રણ સંક્રમણ સંદર્ભે અત્યારસુધીમાં પોલીસે કુલ ૩૮,૭૯૬ ગુના નોંધીને ૪૭,૮૨૭ આરોપીઓની અટક કરી હતી. તે સિવાય પોલીસે મોટર વ્હિકલ એક્ટ હેઠળ ૬૮,૩૧૫ વાહનો ડિટેઈન કરીને કુલ રૂ.૧૯,૪૮,૮૦,૪૨૭ નો દંડ વસુલ્યો હતો. ૨૨ ડિસેમ્બરના રોજ એક જ દિવસે પોલીસે ૨૭૮ વાહનો ડિટેઈન કરીને રૂ.૧૪,૬૦,૨૫૦ નો દંડ વસુલ્યો હતો. અત્યારસુધીમાં ૧૫૧૯ પોલીસ અધિકારી કર્મચારી કોરોના સંક્રમિત થયા હતા જે પૈકી ૧૩૧૯ ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે ૧૪ પોલીસ કર્મચારી, અધિકારી અને હોમગાડ્‌ર્ઝના અવસાન થયા હતા. આજની તારીખ સુધીમાં પોલીસ અને અન્ય પોર્સમા કુલ ૧૮૬ એક્ટીવ પોઝિટીવ કેસ છે.