અમદાવાદ

શહેરના કોલ સેન્ટર કિંગ સાથે ઓફીસમાં મહેફિલ માણતા ભાવનગરના કુખ્યાત સંતોષ સોઢા સહિત ૩ આરોપીઓને પોલીસે ઝડપી લીધાં છે. શહેરનાં આનંદનગરમાં રમાડા હોટલની સામે સફલ પ્રોફીટેરમાં આવેલી કોલ સેન્ટર કિંગ નિરવ રાયચુરાની ઓફીસમાં પોલીસે દરોડા પાડી મહેફિલ માણતાં નિરવ, ભાવનગરના કુખ્યાત સંતોષ સોઢા ચોસલા અને રાહુલ ધરમશી પુરબીયાની ધરપકડ કરી છે. પોલીસને સ્થળ પરથી ૩૮ લાખના દાગીના, દારૂની ખાલી-ભરેલી ૧૧ બોટલો, મોબાઈલ ફોન, ધારદાર ચપ્પા અને છરી જેવાં હથિયારો મળી આવ્યાં છે. નિરવ રાયચુરા ગેરકાયદેસર કોલ સેન્ટર રેકેટનો કિંગ કહેવાય છે.

બાતમીને આધારે આનંદનગર પોલીસે નિરવ હર્ષદરાય રાયચુરા (ઉં,૩૮) રિવેરા ગ્રીન્સ, ગોકુલધામ શાંતીપુરા સર્કલ પાસે, સરખેજ-સાણંદ રોડ, સંતોષ સોઢા ચોસલા (ભરવાડ) (ઉં,૪૪) રહે, ગાલા સ્વિંગ,સોબો સેન્ટર પાસે, સાઉથ બોપલ અને રાહુલ ધરમશી પુરબીયા (ઉં,૨૭) (રહે, કર્ણાવતી નગર, પીનાકલ બિઝનેસ પાર્ક સામે, આનંદનગર) ની અટક કરી કોરોના ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરી છે.

પોલીસે નિરવ રાયચુરાની ઓફિસમાં સોમવારે રાત્રે દરોડા પાડ્યાં હતાં. આરોપીઓ દારૂની મહેફિલ માણતાં ઝડપાયા હતાં. પોલીસને દારૂની ભરેલી-ખાલી ૧૧ બોટલો મળી આવી હતી. આરોપી નિરવ મોબાઈલ ફોનમાં ક્રિકેટ અને ફૂટબોલ સટ્ટો પણ રમતો હોવાનું રેડ દરમિયાન ધ્યાને આવ્યું હતું.

આરોપીની ઓફીસના ટેબલના ડ્રોવરમાંથી પોલીસને કાગળમા લપેટલા રૂ.૩૮ લાખના દાગીના મળી આવ્યા, બે ધારદાર ચપ્પા,મોબાઈલ ફોનો જેમાં ક્રિકેટ સટ્ટાની એપ મળી આવી હતી. આનંદનગર પોલીસે આરોપી નિરવ રાયચુરા વિરુદ્ધ ક્રિકેટ સટ્ટો, દારૂની મહેફિલ અને હથિયારધારા મુજબ ત્રણ ગુના દાખલ કર્યાં તેમજ સંતોષ અને રાહુલ વિરુદ્ધ મહેફીલ અને હથિયારના બે ગુના દાખલ કર્યા હતાં.