ભરૂચ

નર્મદા નદીના પટમાંથી કેટલાક ભુમાફિયાઓ ગેરકાયદેસર રેતી ખનન કરતાં હોય તેમજ ઓવરલોડ, રોયલ્ટી પાસ વગર ડમ્પરો ઝડપાયા હોય તેવા અસંખ્ય કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ભરૂચ પંથકમાં ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે. ત્યારે સાંસદ મનસુખ વસાવાનાં ખુલ્લા આક્ષેપનાં પગલે ખાણ અને ખનીજ ખાતું હરકતમાં આવ્યું હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. રેતી ખનન મામલે ખાણ ખનીજની ટીમ અચાનક જાગૃત બની હોય તેમ એક દિવસ અગાઉ ઓવરલોડ બે ડમ્પર અને ગતરોજ ગેરકાયદેસર અને ઓવરલોડ કરતા ૬ ડમ્પરોને ઝડપી પાડ્યા હતા. ખાનખનિજ ટીમે અચાનક રેડ કરતાં ડમ્પર ચાલકો રોડ ઉપર જ ડમ્પર છોડી ભાગી ગયા હતા. પકડાપકડીનો દાવ ચાલતા આખરે ત્રણ ડમ્પર ચાલક ઝડપાયા હતા અને ત્રણ ડમ્પર ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ત્રણ ડમ્પરનું વજનકાંટા ઉપર વજન કરતાં ચાર ટનથી વધુ ઓવરલોડ રેત ખનીજ મળી આવી હતી.લીઝ ઉપરથી ઓવરલોડ ડમ્પર કેવી રીતે પસાર થાય છે તે માટે ખાનખનિજ અધિકારી કેયુર રાજપરા તપાસ ચલાવી રહ્યા છે. અચાનક તાલુકા મામલદાર સહિતની ટીમે સપાટો બોલાવતાં ઝઘડિયા તાલુકાનાં ગોવાલી ગામે ગેરકાયદેસર રેતી ખનન કરતા ૬ ડમ્પરોને પકડી પાડ્યા હતા.