ચિખલી

ચીખલી પોલીસ મથકમાં વઘઇના બે મોટરસાઇકલ ચોરીના શંકાસ્પદ યુવાનોએ પોલીસ મથકના રૂમમાં પંખા ઉપર લટકી જઈ આત્મહત્યા કરી લેવાની ઘટનામાં નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત અનુસાર બુધવારના રોજ વહેલી સવારે ચીખલી પોલીસ મથકના ડી-સ્ટાફ કોમ્પ્યુટર રૂમમાં સુનિલ ઉર્ફે લાલુ સુરેશભાઇ પવાર (રહે, દોડીપાડા, તા-વઘઇ, જી-ડાંગ) તથા રવિ સુરેશભાઇ જાધવ (રહે, વઘઇ નાકા ફળિયા, તા-વઘઇ) પંખાના હૂક સાથે કેબલ વાયરથી ફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવ્યા હતા. ચીખલી પોલીસ મથક ખાતે નવસારી જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાય તથા ત્રણેય ડીવાયએસપી સહિતના અધિકારીઓ ધસી આવી એલસીબી સહિતનો કાફલો પોલીસ મથકે ખડકી દેવામાં આવ્યો હતો.

બંને શકમંદ યુવાનોને વાહન ચેકિંગ દરમ્યાન મોટરસાઇકલ ચોરીના ગુનામાં પૂછતાછ માટે લાવી હોવાની પોલીસે હકીકત જણાવી હતી. વઘઇના બંને શંકાસ્પદ યુવાનોએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું જણાવી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં નવસારી પોલીસ અધિક્ષક દ્વારા પી.એસ.આઈ એમ.બી.કોંકણી, હે.કો શક્તિસિંહ ઝાલા, તથા પો.કો રામજી ગાયપ્રસાદ યાદવને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે.