વડોદરા : ગેરકાયદે બાંધકામ કર્યુ હોવાની ફરિયાદના પગલે તપાસ માટે આવેલી એરપોર્ટ ઓથોરિટી ટીમની કાર્યવાહીનું કવરેજ કરવા માટે ગયેલા મિડિયાકર્મી પર હુમલો કરી તેમજ કેમેરામેનના મોબાઈલ ફોનની લુંટ ચલાવવાના ગુનામાં સંડોવાયેલા માનવ ઈન્ફ્રાસ્ટ્રકચરના માલિક આશિષ શાહે તેની બાલાજી વિંડ સાઈટ ખાતે સિક્યુરીટીના સ્વાંગમાં રાખેલા ગુંડાઓ અને વાઈસ પ્રેસિડન્ટ પોલીસ મથકે હાજર હોવા છતાં વારસિયા પોલીસે તેઓની ધરપકડ નહી કરતા આશ્ચર્ય ફેલાયુ છે. બીજીતરફ પોલીસે પણ મિડિયાકર્મી પર હુમલો કરનારને બચાવવાનો પ્રયાસ કરતી હોય તે રીતે કામગીરી કરતા પોલીસ કામગીરીએ પણ શંકાઓ ઉભી કરી છે. વિવિધ ભ્રષ્ટ્રાચારના આરોપોમાં સંડોવાયેલા માનવ ઈન્ફ્રાસ્ટ્રકચરના માલિક આશિષ શાહની બાલાજી વિંડ નામે હરણી-વારસિયારીંગ રોડ પર સાઈટ ચાલી રહી છે. બાલાજી વિંડમાં નિયમોની વિરુધ્ધ વધુ બાંધકામ થયું હોવાની ફરિયાદના પગલે ગઈ કાલે સવારે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ બાલાજી વિંડ ખાતે બાંધકામની ચકાસણી અને માપણી માટે આવ્યા હતા. આ કામગીરીનું કવરેજ કરવા ગયેલા મિડિયાકર્મીઓ સાથે બાલાજી વિંડ ખાતે સિક્યુરીટીના સ્વાંગમાં હાજર ગુંડાઓએ મિડિયાકર્મી પર હુમલો કર્યો હતો અને બે મોબાઈલ ફોનની પણ લુંટ ચલાવી હતી. આ બનાવની મિડિયાકર્મી મિતેષ શાહે બાલાજી વિંડ સાઈટના સિક્યુરીટી હેડ ગગનદીપસીંગ ગોપાલસીંગ ગરેવાલ, સિક્યુરીટી ગાર્ડ ચંદ્રકાન્ત જયસ્વાલ અને વાઈસ પ્રેસીડન્ટ અમિત ઝાખડ વિરુધ્ધ તેમજ ગગનદીપસીંગે પણ મિતેષ વિરુધ્ધ ટ્રેસપાસીંગ અને હુમલાની વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ બાદ પોલીસ બંને પક્ષોના ચારેય આરોપીઓને પોલીસ મથકે લાવી હતી પરંતું રાજકિય દબાણ હોય તેમ પોલીસે બાલાજી વિંડના કર્મચારીઓને રવાના કરતા મિડિયાકર્મીને પણ રવાના કરવાની ફરજ પડી હતી. જાેકે પોલીસની સુચના હોવા છતાં આજે બાલાજી વિંડના કોઈ આરોપી પુરાવા સાથે હાજર રહ્યા નહોંતા. એટલું જ નહી વારસિયા પોલીસ પણ બાલાજી વિંડના સંચાલકોની તરફેણ કરતી હોય તેમ આજે બાલાજી વિંડના અન્ય ત્રણ સિક્યુરીટી ગાર્ડના જ નિવેદનો મેળવ્યા હતા જેમાં તેઓએ મિતેષ શાહે ગેરકાયદે પ્રવેશ કરી હુમલો કર્યાની વાત જણાવી હતી. આરોપીઓની ધરપકડ નહી કરી તેમજ તેઓની તરફેણ થાય તે રીતે કામગીરી થતા વારસિયા પોલીસ પણ શંકાના ઘેરામાં આવી છે.