દાહોદ, તા.૨૩

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ યુવાનોના ઘટનાસ્થળે અરેરાટી ભર્યા મોત નિપજતા પરિવારમાં મોતનો માતમ છવાતા ઘટનાસ્થળ પર હૈયાફાટ રૂદનના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ સંતરામપુર પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ ત્રણેય મૃતક યુવાનોની લાશને પોસ્ટ મોર્ટમ માટે સંતરામપુર સરકારી દવાખાને મોકલી આપી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

 પ્રાપ્ત વિગત અનુસાર સંતરામપુર તાલુકાના વાજીયાકોટ ગામના ડેમલી ફળિયામાં રહેતા બે સગા ભાઈ ૨૦ વર્ષીય અજય લાલસીંગ ખરાડી, ૨૭ વર્ષીય જયદીપ લાલસીંગ ખરાડી તથા તેમના પરિવારના ૨૫ વર્ષીય વિકાસ સોમાભાઈ ખરાડી એમ ત્રણે જણા આજે ઘરેથી બાઈક પર હીરાપુર ગામ તરફ જવા નીકળ્યા હતા. તે સમયે હીરાપુર નજીક સામેથી આવતી ઝાલોદ અમદાવાદ એસટી બસના આગળના ભાગે તેઓનું બાઈક ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર એક જ પરિવારના ઉપરોક્ત ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ અરેરાટી ભર્યા મોત નિપજયા હતા.

ઘટનાની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને એક જ પરિવારના ત્રણેય યુવાનો કાળનો કોળિયો બની જતા ઘટનાસ્થળે જ ભારે આક્રંદ ભર્યા હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાને પગલે આજુબાજુના ગામ લોકો દોડી આવ્યા હતા અને ઘટના આ અંગેની જાણ સંતરામપુર પોલીસને કરતા સંતરામપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્રણે મૃતકોની લાશને પીએમ માટે સંતરામપુર સરકારી દવાખાને મોકલી આપી આ મામલે ગુનો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી છે ઝાલોદ અમદાવાદ એસટી બસ અકસ્માત બાદ બાઇકને ઘસડીને દૂર સુધી લઈ ગઈ હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે બસની પાછળ દૂરથી ત્રણેય યુવાનોના મૃતદેહો પોલીસને મળ્યા હોવાનું પણ સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.