વડોદરા : દિવસભર માસ્ક માટે દંડની કામગીરી કરીને થાકી જતા પોલીસ રાત પડતા જ ઘરે રવાના થતા હોઈ તસ્કરોને ચોરીઓ કરવા માટે મોકળુ મેદાન મળી ગયુ છે અને પોલીસની ગેરહાજરીના કારણે હવે ખુદ શહેરીજનોને પોતાની સલામતિ માટે સજાગ રહેવુ પડે છે જેની સાબિતી આપતો કિસ્સો ગત રાત્રે મકરપુરામાં બન્યો હતો. મકરપુરામાં બે મકાનોમાં ચોરી કરી ત્રીજા મકાનમાં ચોરી કરવા માટે ઘુસેલા ત્રણ તસ્કરોને સ્થાનિક રહીશોએ ઝડપી પાડી મકરપુરા પોલીસના હવાલે કર્યા હતા.  

મકરપુરા એરફોર્સ પાછળ આવેલી પામવિલા સોસાયટીમાં રહેતા અર્જુનભાઈ પુનમાજી ચૈાધરી ગઈ કાલે સવારથી સંબંધીના મરણ પ્રસંગે પરિવાર સાથે વતન રાજસ્થાનમાં ગયા છે. દરમિયાન મોડી રાત્રે જ્યુપીટર મોપેડ પર આવેલા ત્રણ તસ્કરો રાજુ મોહમંદજેનાલ શેખ (જનતાસેવક સોસાયટી, મોરીરોડ, મુંબઈ), નજમુલહુસેન અબ્દુલરોફ શેખ (હાલ સાહ મજહુમની દરગાહ પાસ, માહીમ, મુંબઈ મુળ પશ્ચિમ બંગાળ) અને સુરજ વિરેન્દ્ર સોલંકી (નિઝામુદ્દીન દરગાહ પાસે, જુની દિલ્હી)એ અર્જુનભાઈના મકાનના મુખ્ય દરવાજાનું ઈન્ટરલોક તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને તિજાેરીનું લોક તોડવાની શરૂઆત કરી હતી.બંધ મકાનમાં ચોરીના પ્રયાસ માટે થયેલા અવાજથી પાડોશી વિશાલ પાટીલ જાગી જતા તેણે સોસાયટીના રહીશો તેમજ તેમની જ સોસાયટીમાં રહેતા અર્જુનભાઈના માસા સાંવલારામ ચૈાધરીને ફોન કરીને બહાર ભેગા કર્યા હતા. ભેગા થયેલા સોસાયટીના રહીશોએ અર્જુનરામના મકાનનો દરવાજાે બહારથી બંધ કરીને મકાનની આસપાસ ગોઠવાઈ જઈ હોબાળો કર્યો હતો. આ હોબાળો સાંભળી મકાનમાં ઘુસેલા તસ્કરો પકડાઈ જવાની બીકે બેડરૂમના પેટીપલંગની અંદર અને માળિયામાં બનાવેલા કબાટની અંદર સંતાઈ ગયા હતા. આ બનાવની સોસાયટીના રહીશોએ જાણ કરતા મકરપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સોસાયટીના રહીશો સાથે મકાનમાંથી ત્રણેય તસ્કરોને ઝડપી પાડી તેઓની પાસેથી ચોરીની દોઢ લાખથી વધુની મત્તા કબજે કરી હતી.

તસ્કરોનું બાંગ્લાદેશ કનેકશન બહાર આવ્યું

તસ્કરો અમદાવાદથી ચોરી કરેલા જ્યુપીટર મોપેડ પર ચોરી કરવા માટે અત્રે આવ્યા હતા અને ચોરી દરમ્યાન તિજાેરી તોડતા રાજુ શેખને હાથમાં ઈજા પહોંચી હતી. પોલીસે તેઓના મોબાઈલ ફોનની ચકાસણી કરી હતી. જેમાં ત્રણેય તસ્કરોએ બાંગ્લાદેશમાં વારંવાર ફોન કર્યા હતા. આ તસ્કરોએ પામ વિલા ઉપરાંત પાછળ આવેલ પાર્વતી નગરમાં પણ બે મકાનોમાંથી ચોરી કરી હતી.