મહેસાણા : નકલી ચલણી નાણું છાપીને બજારમાં ફરતું કરનાર ૩ શખ્સોને મહેસાણા પોલીસે ઝડપી લીધા છે. આ ત્રણ આરોપીઓ બે કલર પ્રિન્ટરથી નકલી ચલણી નાણાં છાપીને બજારમાં નોટો ફરતી કરી દેતા હતા. જે નકલી નોટો મહેસાણાની બેંકમાં પહોંચતા નકલી નોટોનો ભાંડો ફૂટી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે રૂ.૨૦૦ની નકલી નોટો જાતે જ કલર પ્રિન્ટરમાં છાપીને બજારમાં ફરતી કરતા ૩ શખ્સોને ભારે પડ્યું છે. નોટો જાતે છાપીને બજારમાં ફરતી તો કરી દીધી પરંતુ આ નોટો બેંકમાં પહોંચતા જ નકલી નોટોનો ભાંડો ફૂટી જવા પામ્યો હતો. મહેસાણાના પેરેડાઈઝ ટ્રેડિંગ અને મહાકાળી ટ્રેડિંગના માલિકો દ્વારા મહેસાણાની એચડીએફસી બેંકમાં રૂ.૨૦૦ની ૧૦૦ નોટો જમા કરાવાઇ હતી. જે નોટો અંગે પૂછપરછ કરતા આ નકલી નોટો બહુચરાજીના પારસ પ્રોવિઝન સ્ટોરના માલિકે તેમને આપી હોવાનું જાણવા મળ્યું હતું.. જેના માલિકની પૂછપરછ કરતા તેને આ નોટો રાજકોટના કારિયા દીપક શાંતિલાલ નામના વ્યક્તિએ ઉઘરાણી પેટે રૂ.૨૦૦ના ૨ બંડલ એટલે કે ૪૦ હજાર આપ્યા હતા. જેના આધારે મહેસાણા એસઓજી પોલીસે રાજકોટમાં તપાસ કરતા સ્થળ પરથી નકલી નોટો છાપવાની સાધન સામગ્રી ઝડપી લીધી હતી. પોલીસે કારિયા દિપક શાંતિલાલ, ખીલોસિયા સાગર સુરેશભાઈ અને શેખ મગનભાઈ ગોપાલભાઈ નામના ૩ આરોપીઓને પણ ઝડપી લીધા હતા. મહેસાણા એસઓજી પોલીસ દ્વારા રાજકોટમાં પહોંચીને તપાસ કાર્યવાહીમાં સ્થળ પરથી ૨ કલર પ્રિન્ટર, રૂ.૨૦૦ના દરની અર્ધ બળેલી નોટો, રૂ.૫૦૦ના દરની અર્ધ બળેલી નોટો, નકલી નોટો છાપવા માટેના ૪ બોક્સ ભરીને કોરા કાગળ પણ મળી આવ્યા હતા. જે જપ્ત કરીને આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને મહેસાણા લાવ્યા હતા. જેઓને આજે કોર્ટમાં રજૂ કરતા ૩ દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતા.