વડોદરા

બરોડા મેડિકલ કોલેજમાં આઉટસોર્સથી કામ કરતા ર૦૦થી રપ૦ જેટલા કોન્ટ્રાક્ટ પર વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓને બેથી ત્રણ મહિનાનો પગાર કોન્ટ્રાકટર દ્વારા ચૂકવવામાં નહીં આવતાં આખરે કર્મચારીઓની ધીરજ ખૂટી જતાં હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે અને કોન્ટ્રાકટરની લાપરવાહી તેમજ લાલિયાવાડીના વિરોધમાં મેડિકલ કોલેજની બહાર ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો તેમજ પગાર ચૂકવવા માટેની માગ કરી હતી.

બરોડા મેડિકલ કોલેજમાં ઘણાં સમયથી વર્ગ-૩ અને ૪ના ર૦૦ થી રપ૦ કર્મચારીઓ નાકરાણી અને એમ.જે.સોલંકીના કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવી રહ્યા છે. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા અવારનવાર આ કર્મચારીઓના પગાર અનિયમિત કરતા હોવાથી કર્મચારીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ આક્ષેપો કર્યા હતા કે કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા બે-ત્રણ મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો નથી, જેથી તેમને પોતાનું અને પરિવારનું જીવનનિર્વાણ ચલાવવું મુશ્કેલ થઈ પડયું છે. તેમ છતાં કોન્ટ્રાકટર દ્વારા નવા નવા કારણો દર્શાવી પગાર ચૂકવવામાં વિલંબ કરાઈ રહ્યો છે.

આ ગંભીર સમસ્યા અંગે કોન્ટ્રાક્ટના વહીવટીકર્તાઓને તેમજ મેડિકલ કોલેજના ડીનને અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં આજદિન સુધી પગારની સમસ્યા હલ કરવામાં આવી નથી. પગાર વગર મેડિકલ કોલેજમાં ફરજ બજાવી રહેલા કોન્ટ્રાકટરના કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે સતત ત્રીજા દિવસે પણ પગાર વગર ટળવળતા કર્મચારીઓ સામૂહિક રીતે કામગીરીનો બહિષ્કાર કરી મેડિકલ કોલેજના પટાંગણમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જાે સમસ્યાનો નિકાલ નહીં આવે તો આ આંદોલનને જાહેરમાં રોડ પર લઈ જવામાં આવશે તેમજ કલેકટરને રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.