કચ્છ

કચ્છના ભચાઉના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા મહામારી વચ્ચે લોકોની મુશ્કેલી વધી છે. ભચાઊમાં દિવસભરના ઉકળાટભર્યા વાતાવરણ બાદ સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. પ્રથમ સામાન્ય ઝાપટું પડ્યું હતું.

પરંતુ, બાદમાં એક કલાકના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા શેરીઓમાં પાણી વહેતા થયા હતા. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે વિસ્તારમાં વીજળી પણ ગૂલ થઈ હતી.​​​​​​​તો બીજી તરફ ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે કરા પડયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ભારે પવન અને ગાજવીજ સાથે સાંજે સાડા પાંચના અરસામાં કરાં સાથેનો વરસાદ વરસ્યો હતો.

કોરોના મહામારી વચ્ચે કમોસમી વરસાદ થતા ગામલોકોએ બીમારી વધવાની ભીતિ વ્યકત કરી હતી.ભચાઉની ઉતર દિશાએ આવેલા ખારોઈ અને ચોબારીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

આકરી ગરમી વચ્ચે ભચાઉ તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટાએ લોકોને પણ વિચારતા કરી મૂક્યા હતા.કમોસમી વરસાદના કારણે વાડી વિસ્તારમાં બાગાયતી પાકને નુકશાનની ભીતિ ખેડૂતોએ સેવી છે.

શુક્રવારે બપોર બાદ ભચાઉમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ભચાઉ માર્કેટીંગ યાર્ડના વેપારીઓએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ભચાઉ માર્કેટીંગ યાર્ડમાં કેટલાક વેપારીઓના ખુલ્લા મેદાનમાં એરંડા પડ્યા હોય કમોસમી વરસાદના કારણે પલળતા લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે.