આણંદ : દેશભરમાં કોરોના વાયરસ સામે રક્ષણ માટે વેક્સિનેશનની તૈયારી ચાલી રહી છે ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આણંદ જિલ્લામાં વેક્સિનેશનની તૈયારીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા અગ્રતાક્રમ સૂચી તથા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લામાં બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે. વેક્સિનેશનના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે, આણંદ જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વિચાર વિમર્શ કરી જિલ્લાનો ડેટાબેઝ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લાના પ્રાંત અધિકારીઓની દેખરેખ હેઠળ મામલતદાર, ચીફઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીઓ સાથે ટીમ 

બનાવી કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થાય એ સમયે અગ્રતા ક્રમ કોનો આપવો તેની તૈયારીઓ ચાલી રહી છે.

સૂત્રોનું કહેવું છે કે, ઉપરથી આવેલી સૂચનાઓ મુજબ, હાલ ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે. વહેલામાં વહેલીતકે પ્રથમ તબક્કામાં ૫૦ વર્ષથી ઉપરની વ્યક્તિઓને રસીકરણ અંગે નક્કી કરવામાં આવ્યું છે. આ ડેટાબેઝ તૈયાર કરવા માટે વિધાનસભાની મતદાર યાદીના બેઝ મુજબ ૫૦ વર્ષથી ઉપરના મતદારોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. હાલમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી બુથ લેવલ ઓફિસર (બીએલઓ)ની સાથે આરોગ્ય વિભાગના કર્મચારી અને સ્થાનિક નગરપાલિકાના એક કર્મચારીની ટીમ બનાવી શરૂકરવામાં આવી છે.

સૂત્રોનું કહેવું છે કે, આણંદ જિલ્લામાં તા.૧૩ ડિસેમ્બર સુધીમાં આ ડેટા એકઠો કરી લેવામાં આવશે. આ વિગતો મુજબ તમામ વ્યક્તિની બધી જ જાણકારી મેળવી લેવામાં આવશે. ખાસ કરીને મોબાઇલ નંબર લેવામાં આવશે, જેથી વેક્સિન આવે કે તરત જ પ્રથમ તબક્કામાં ૫૦ વર્ષથી ઉપરની તમામ વ્યક્તિને રસીનો પહેલો ડોઝ આપી શકાય.

સૂત્રોનું કહેવું છે કે, આ ઉપરાંત બીજી પ્રાથમિક્તામાં ૫૦ વર્ષથી નીચેની ઉંમરની એવી વ્યક્તિઓ જે કોઈ બીમારીથી પીડાઈ છે તેનો ડેટાબેઝ બનાવવામાં આવી રહ્યો છે. અલબત્ત, ૫૦થી ઓછી ઉંમર હોય પણ મધુપ્રમેહ, હાઇ કે લો બ્લપ્રેશર ઉપરાંત બીજી કોઈ ગંભીર બીમારી ધરાવતી વ્યક્તિ એટલે કે કેન્સર, હૃદયરોગ, એચઆઇવી જેવી બીમારી હોય તેવાં લોકોની પણ અલગ યાદી બનાવવામાં આવી રહી છે. બીએલઓ, આરોગ્ય વિભાગના કર્મચારી, સ્થાનિક નગરપાલિકાના કર્મચારીની કામગીરી ઉપર દેખરેખ માટે ૧૦ બુથ મુજબ એક - એક સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે.

આખા જિલ્લામાં આ કામગીરી માટે પ્રાંત અધિકારી ઉપરાંત ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને જવાબદારી સોંપવામાં આવી છે. આગામી તા.૧૩ સુધીમાં સોફ્ટવેરમાં એન્ટ્રી કરી પ્લાન તૈયાર કરવામાં આવશે. એક વખત સોફ્ટવેર એન્ટ્રી થઈ ગયાં બાદ કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થતાં તરત જ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ રસીકરણ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

એવું કહી શકાય કે, રાજ્યકક્ષાએથી પરિપત્ર આવ્યાં પછી જિલ્લાનું વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરીમાં જાેતરાઈ ગયો છે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ કોરોના વેક્સિન ઉપલબ્ધ થયાં પછી તાત્કાલિક ધોરણે પ્રથમ તબક્કામાં ૫૦ વર્ષથી ઉપરની વ્યક્તિઓએ અને ૫૦ વર્ષથી નીચેની પણ ગંભીર બીમારી ધરાવતી વ્યક્તિઓને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.

વેક્સિનનો ડોઝ કેવી રીતે આપવો તે માટેની તાલીમ શરૂ

વેક્સિનનો ડોઝ કેવી રીતે આપવો તે માટેની તાલીમ પણ હાલમાં આણંદ જિલ્લામાં શરૂ થઈ ગઈ છે. એકબાજુ નાગરિકોનો ડેટાબેઝ બની રહ્યો છે અને બીજી તરફ વેક્સિનની તાલીમ પણ શરૂ કરી દેવામાં આવી છે.

વેક્સિનનો પૂરવઠો ગામડાંઓ સુધી કઈ રીતે પહોંચાડવો તેની તાલીમ પણ શરૂ

આ ઉપરાંત સરકાર તરફથી વેક્સિનનો જથ્થો પૂરો પાડવામાં આવ્યાં પછી તેને ગામડાંઓ સુધી કઈ રીતે પહોંચાડવો અને તેમાં શું-શું તકેદારી રાખવી તેની અલગથી તાલીમ આપવામાં આવી રહી છે. આમ તો આપણે ત્યાં ચાલતાં વિવિધ રસીકરણની વ્યવસ્થા મુજબ જ કોરોનાની રસી આપવામાં આવશે.

સૌથી પહેલાં કોને કોરોના વેક્સિન લગાવવામાં આવશે?

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણએ કહ્યું છે કે, કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં કોવિડ-૧૯ માટે વેક્સિન એડમિનિસ્ટ્રેશન પર નેશનલ એક્સપર્ટ ગ્રૂપ (NEGVAC)ની રચના કરી હતી.

આ ગ્રૂપે જ નક્કી કર્યું છે કે, કોવિડ-૧૯નું વેક્સિનેશન કેવી રીતે આગળ વધશે? વેક્સિન ખરીદવાની પ્રક્રિયા શું હશે, વેક્સિનની પસંદગી કેવી રીતે થશે, વેક્સિનની ડિલીવરી કેવી રીતે થશે અને ટ્રેકિંગ મિકેનિઝમ શું હશે? NEGVAC ભલામણોના આધારે, શરૂઆતના ફેઝમાં ત્રણ ગ્રૂપ્સને સૌથી પહેલાં વેક્સિનેટ કરવામાં આવશે.

ક્યા ત્રણ ગ્રૂપ્સને પહેલાં વેક્સિન આપવામાં આવશે?

૧.એક કરોડ હેલ્થકેર વર્કર્સઃ તેમાં સ્વાસ્થ્ય સાથે સંકળાયેલાં કામ કરતાં તમામ કર્મચારી સામેલ હશે.

૨.બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સઃ તેમાં કેન્દ્ર અને રાજ્યોની પોલીસ, આર્મ્‌ડ ફોર્સેસ, હોમગાર્ડ્‌સ, સિવિલ ડિફેન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વોલેન્ટિયર્સ, મ્યુનિસિપલ વર્કર્સ સામેલ હશે.

૩. ૨૭ કરોડ નાગરિકો ઃ આ એવાં લોકો છે જેમની ઉંમર ૫૦ વર્ષ અથવા તેનાંથી વધારે છે. આ ઉપરાંત ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો જે હાઇ-રિસ્ક કેટેગરીમાં આવે છે, એટલે કે જેમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અથવા અન્ય બીમારીઓ છે, તેમને પણ પહેલાં વેક્સિન આપવામાં આવશે.

જિલ્લા સ્તરે કેવી રીતે વેક્સિનેશનની સિસ્ટમ કામ કરશે?

ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ (DTF) જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં કામ કરશે. ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ પણ હશે, જે સતત કામ કરશે. આ ઉપરાંત સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર BDOની અધ્યક્ષતામાં બ્લોક ટાસ્ક ફોર્સ (BTF) પણ હશે, તે બ્લોક લેવલ પર વેક્સિનેશન માટે કામ કરશે.